ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં આકાશી આફત ઉતરી આવી છે. ગત રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. માલણ નદીમાં આવેલા પ્રચંડ પૂરના કારણે ગાંગડા અને સનખડા જેવા ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પૂરના ધસમસતા પ્રવાહમાં રસ્તાઓ ધોવાઈ જતાં સંપર્ક તૂટ્યો છે અને અનેક ઘરોમાં પાણી ભરાયા છે. વાવાઝોડા જેવા પવનને કારણે વીજપોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો છે, જ્યારે ૫૦થી વધુ પશુઓના મોતના અહેવાલો મળ્યા છે.આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફાયર વિભાગ અને એસ.ડી.આર.એફ.ની ટીમોએ મોડી રાત્રે જીવના જોખમે બચાવ કામગીરી શરૂ કરી હતી. ગાંગડા અને સુલતાનપુર ગામે ઘરોમાં ફસાયેલા પરિવારો અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને પ્રાથમિક શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે. રસ્તાઓ પર છાતીસમા પાણી હોવા છતાં તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.