ઉના તાલુકાના નાના એવા ગામમાં આવેલ એસબીઆઇ બેંકના કથળેલા વહીવટથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ બાબતે વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા જતાં વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને ગ્રાહકો પોતાના કામ માટે લાચાર બની મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સામતેર એસબીઆઇ બેંકમાં સ્ટાફ અને અધિકારી મનસ્વી વર્તન કરતા હોય તેમજ આ વિસ્તારમાં અન્ય બેંક ન હોવાથી સામતેર સહિતના આજુબાજુના ૧૦ થી વધુ ગામના લોકોને નાછુટકે આ બેંકનો સહારો લેવો પડે છે. આ બેંકમાં ગ્રાહકે ખાતુ ખોલાવવાનું હોય તો બેંકમાંથી ફોર્મ આપવામાં આવે છે. અને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકોને ફોર્મ ભરતા આવડતું ન હોવાથી બેંકના સ્ટાફ દ્વારા ફોર્મ ભરવામાં સહકાર આપવામાં આવતો નથી. બેંકની બહાર એક વ્યક્તિ બેસાડવામાં આવે છે તેમની પાસે ફોર્મ ભરવા બેંકના કર્મચારીઓ મોકલી આપતા હોય છે. અને બેંકમાં ખાતુ ખોલવાના ફોર્મ ભરવાનો ચાર્જ રૂ. ૧૦ તેમજ કોઇ ગ્રાહકે તેમનું બેંકમાં કેવાયસી કરાવવાનું હોય અને બેંકનો સ્ટાફ હોય તો પણ બેંકની બહાર આવેલ એસબીઆઇ બેંકના પોઇન્ટ પર કેવાયસી કરાવવા મોકલે છે.