ઉના તાલુકાના વાવરડા ગામે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૦-૨૧ની ૧૦% ગ્રાન્ટમાંથી ગામ લોકોને શુદ્ધ અને ઠંડું પાણી પીવા માટે મૂકવામાં આવેલું એટીએમ વોટર ફિલ્ટર શોભાનો ગાંઠિયો બની ગયું છે. ગામ લોકોને શુદ્ધ અને ઠંડું પાણી પીવાની સુવિધા મળી રહે તે માટે મૂકવામાં આવેલું આરઓ પાણીનું ફિલ્ટર મશીન છેલ્લા એક વર્ષથી સતત બંધ છે. આ અંગે અગાઉ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક, જેન્તીભાઈ વાંજા તથા ગ્રામ પંચાયત દ્વારા કંપનીના એન્જિનિયરને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી. ન્યૂઝ પેપરમાં સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા. તેમ છતાં અધિકારીઓએ કે એન્જિનિયરે આ રજૂઆતો ધ્યાને લીધી નથી. ત્યારબાદ, પંચાયત દ્વારા ડિસેમ્બર ૨૦૨૪માં પણ કંપનીના એન્જિનિયર અને જિલ્લા પંચાયતને ઈ-મેઈલ કરીને જાણ કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ યથાવત્ રહી છે. પાણીનું ફિલ્ટર મશીન જલ્દીથી રીપેર કરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે.