ઉનાના ગરાળ ગામે રહેતા યશપાલસિંહ અખુભા વાળા ઉ.વ.૨૨ પોતાના મિત્ર સાથે મોઠા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા ગયેલા હતા. માતાજીના માંડવામાં ડાકલાની રમઝટ બોલતી હોય ત્યારે બેસવા બાબતે અને સીટી વગાડવા અંગે યશપાલસિંહને મોઠા ગામના ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ જશાભાઇ પરમાર અને મહિપતસિંહ મનુભાઇ ગોહીલ રહે. સાંઢણીધાર તા.કોડીનાર વાળા સાથે ઝગડો થયેલ હતો. ઝઘડામાં યશપાલસિંહ પડી જતાં ચિરાગસિંહ તથા તેના મિત્રો મહીપતસિંહે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી તેના પાસે રહેલી છરી વડે માથાના તેમજ છાતીના પેટના ભાગે પાંચ ઘા મારતા યુવાનને લોહીલુહાણ કરી આરોપીઓ નાસી ગયા હતા.
ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજયુ હતું. આ ઘટનાની જાણ ઉના પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક યુવાનના કાકા મંગુભાઇ ઉર્ફે મંગળસિંહ રૂપસંગ વાળાની ફરીયાદ બાદ પોલીસે ત્રણેય હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા. નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા ગામમાં અજંપાભરી શાંતિ ફેલાઈ છે.

માંડવાની કોઈ મંજૂરી લીધી નહોતી
માતાજીના માંડવાનો જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આયોજકો દ્વારા માતાજીના માંડવા બાબતે તંત્ર પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.