ઉના તાલુકાના માણેકપુર ગામની સીમમાં આવેલી જીલુભાઈ બાબુભાઈ રાઠોડની વાડીમાં દીપડીના દસ દિવસના બે બચ્ચા મળી આવ્યા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વાડીમાં એરંડા અને અડદનું વાવેતર છે તેમજ ઘાસચારો રાખવા માટે એક રૂમ બનાવાયો છે. આજે સવારે જીલુભાઈની પત્ની રાજીબેન કામસર વાડીએ પહોંચ્યા ત્યારે રૂમમાં દીપડીના બચ્ચા નજરે પડતાં તેમણે તરત દરવાજો બંધ કરી બહાર નીકળી ગયા હતા. બચ્ચા જોવા મળ્યા પછી રાજીબેન વાડી તરફ પાછા જવા લાગ્યા ત્યારે દીપડીએ તેમની પાછળ દોટ મૂકી હતી. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરતાં દીપડી નાસી ગઈ, પરંતુ ઘટનાથી ગામમાં ભારે ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ જસાધાર વનવિભાગના આર.એફ.ઓ. એલ.બી. ભરવાડે ફોરેસ્ટર હિતેશ બારોટ અને ગાડ્‌ર્સ ભરતભાઈ સોલંકી તથા ભરતભાઈ ગોહિલને રેસ્ક્યુ માટે સ્થળ પર મોકલ્યા હતા. ટીમે દીપડીને પકડવા માટે વાડીમાં પાંજરું ગોઠવ્યું છે. વનવિભાગના જણાવ્યા મુજબ દીપડી પાંજરામાં પુરાયા બાદ જ તેના બચ્ચાને તેની પાસે મુકવામાં આવશે. ત્યાં સુધી રૂમની નજીક જવું જોખમી ગણવામાં આવી રહ્યું છે.