અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી અને ઉનાના જાગૃત નાગરિક રસિક ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, ઉનાની મછુન્દ્રી નદીના પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. ઉના અને ભાવનગર-અમરેલી જિલ્લાને જોડતો આ પુલ ઘણા વર્ષોથી બનેલ છે અને હાલ જર્જરિત અવસ્થામાં છે, પરંતુ દર વર્ષે તેને રિપેર કરીને કામ ચલાવવામાં આવે છે. આ અંગે રસિક ચાવડાએ અગાઉ પણ અનેક વખત રજૂવાત કરી છે. જાણકારો કહે છે કે, આ પુલની આવરદા પણ પૂરી થઈ ગઈ છે. તો આ પુલની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને નવો પુલ બનાવવામાં આવે તેવી વિનંતી છે. તાજેતરમાં જ બરોડા-આણંદને જોડતો પુલ તૂટ્યો અને અનેક માનવીઓનો ભોગ લેવાયો છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના અહીં પણ બને અને જાનહાનિ થાય તે પહેલા આ પુલ બનાવવામાં આવે તેવી માગ રસિક ચાવડાએ કરી છે.




































