ઉના તાલુકાના ભીંગરણ ગામ નજીક દરિયાઈ ખાડીમાંથી અને એક પડતર મરઘા ફાર્મમાંથી પોલીસે રૂ.૧૬.૨૫ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ૭૨૧૧ વિદેશી દારૂની બોટલ, એક બોટ અને એક નાની હોડી જપ્ત કરવામાં આવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પાંચ અન્ય શખ્સો ફરાર છે. જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને ભીંગરણ દરિયાઈ ખાડીમાં સ્મશાન નજીક બોટ દ્વારા દારૂ લાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પીઆઈ વી.એમ. પટેલ, પીએસઆઈ સિંધવ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ખાડીમાં શંકાસ્પદ ‘અજમેરી સાગર’ નામની બોટ (નંબરIND-DD-02-MM 763)ની તલાશી લેતા ભીંગરણ ગામના ટંડેલ જેન્તી જગા મજેઠીયા અને રામેશ્વર ગામના દિલીપ હાજા સિંગડના કબજામાંથી ૧૯૩૧ બોટલ વિદેશી દારૂ, નાની હોડી, મોબાઈલ ફોન અને બોટ સહિત કુલ રૂ.૧૦,૯૭,૨૨૫નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.









































