ઉનાના નાઠેજ ગામે રહેતા મનુભાઈ માણસુરભાઈ આહીર પોતાની ભેંસો ચરાવીને ઘરે પરત ફરતા હતા ત્યારે ઉના તરફથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે પાંચ ભેંસો અને એક પાડાને અડફેટે લીધા હતા. જેમાં બે ભેંસો અને એક પાડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને બે ભેંસોને ગંભીર અને અન્ય ભેંસને સામાન્ય ઈજા થઇ હતી.
જોકે, આ ઘટનામાં મનુભાઈને પણ આ ટ્રકે અડફેટે લેતા તેને પણ ઇજા થઇ હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દિવાળીના સમયે બે ભેંસો અને એક પાડાના મોતથી ખેડૂતમાં ચિંતા વ્યાપી હતી. આ અકસ્માત થતા લોકોના ટોળાં ઉમટી પડ્‌યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેમણે પણ તાત્કાલિક પહોંચીને વધુ તપાસ હાથ ધરેલ છે.