ઉનાના નવાબંદર પ્લોટ વિસ્તારમાં તાજી મચ્છી સુકવતા મજૂરો પર ડાલામથ્થાએ અચાનક હુમલો કરી દેતાં ગુલાબ હાજી શબ્બીર હુશેન સૈયદ નામનાં યુવાનને સાથળના ભાગમાં નખ મારી દેતા અને બચકાં ભરતા યુવાનને લોહીલુહાણ હાલતમાં કરી દીધેલ અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા. દરિયાઈ કાંઠા વિસ્તારના નવાબંદર ગામમાં રહેણાંક વિસ્તારમાં ૧૦ દિવસ પહેલા ૩ પશુઓનો પણ શિકાર કર્યાે હતો.
છેલ્લા દસેક દિવસમાં ત્રણ વખત પશુઓનાં શિકાર કરી મિજબાની માણી ચુકેલા આ વન્ય પ્રાણી હવે માનવીનું લોહી ચાખી ગયાં હોવાથી માનવભક્ષી બની આ વિસ્તારમાં ઝૂંપડા બાંધી રહેતાં અને શહેરી ગલી મોહલ્લામાં રહેતાં નાનાં બાળકો, વૃદ્ધો, મહિલાઓને કોઈ પ્રકારની નુકસાની પહોંચાડે તે પહેલાં આ વિસ્તારમાં કાયમી બીટગાર્ડ અને ટ્રેકરનું પેટ્રોલીંગ કરી આ વન્ય પ્રાણીને દૂર જંગલ માર્ગે ખસેડવા માંગણી ઉઠવા પામી છે.