ઉનાના નવાબંદર ખાતે દરિયાઈ ખાડીમાં પડી જવાથી એક શ્રમિકનું મોત થયું છે. બંગાળના દિલીપ જયદેવભાઈ ગુજટે (ઉ.વ. ૩૫) નામનો શ્રમિક જેટી પર કામ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, દિલીપ ગુજટે છેલ્લા દોઢ વર્ષથી અન્ય શ્રમિકો સાથે નવાબંદર જેટીના નિર્માણ કાર્યમાં જોડાયેલ હતો. આજે જેટી પર કામ કરતી વખતે તે અચાનક અકસ્માતે ખાડીમાં પડી ગયો હતો. ખાડીમાં પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. નવાબંદર પોલીસે અકસ્માત મૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે.








































