ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ૨૦૧૭-૧૮માં નિર્માણ પામેલી આ શાળાનું રિનોવેશન કરાયાના માત્ર ૧૫ દિવસમાં જ અંદરથી લૂણો લાગી ગયો છે અને કલર કરેલી દીવાલો પરથી પોપડા ખરવા લાગ્યા છે. આ ઘટનાએ બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને વેગ આપ્યો છે. ગ્રામજનો અને
જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, ૨૦૧૭-૧૮માં જીસ્ઝ્ર દ્વારા બનેલી આ શાળાનું પાયાનું કામ જ નબળું થયું હતું. માત્ર ૮ વર્ષના ટૂંકા ગાળામાં જ રૂમોમાં પાણી ટપકવાની સમસ્યા, દીવાલોમાં લૂણો લાગવો અને પ્લાસ્ટર ખરવા જેવી ખામીઓ સર્જાઈ છે. શાળાના કોલમોમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. શાળા દરિયાઈ ખાડીથી થોડે દૂર હોવાને કારણે જમીનમાં ખારાશ હોવા છતાં બાંધકામ કરતી વખતે આ બાબતનું ધ્યાન રખાયું નહોતું, જેના કારણે હાલ માત્ર ૮ વર્ષમાં જ શાળાનું રિનોવેશન કરવાની ફરજ પડી છે. અંદરથી નબળું પડેલું બાંધકામ હાલમાં થઈ રહેલા નવા પ્લાસ્ટર અને કલરને પણ ટકવા દેતું નથી, જેના કારણે રિનોવેશનની ગુણવત્તા પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.