ઉના તાલુકાના ગરાળ ગામે વાડી વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સૂતેલા ૧૦૩ વર્ષીય વૃધ્ધા ભાનુબેન નથુભાઈ જેઠવા પર એક હિંસક દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. દીપડો અચાનક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે ભાનુબેનના માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. વૃધ્ધાની ચીસાચીસ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા, જેથી લોકોને જોઈને દીપડો ભાનુબેનને લોહી લુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરીને ઘાયલ વૃધ્ધાને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ હુમલામાં ભાનુબેનને માથા અને મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી તબીબોએ ૭૦થી વધુ ટાંકા લીધા હતા. જોકે, તેમની તબિયત વધુ નાજુક જણાતા તેમને તાત્કાલિક વધુ ગંભીર સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના વધતા ત્રાસને લઈને ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.







































