ઉનાના ગરાળ ગામે નેશનલ હાઈવેથી અંદર જતો ડામર માર્ગ વરસાદને કારણે જમીનમાં બેસી ગયો છે. આ ઘટનાને કારણે દિવસ-રાત પસાર થતા સેંકડો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ માર્ગ ગરાળ ગામથી સંજવાપુર, મોઠા, સિમર, દુધાળા અને માણેકપુર સહિત છ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે. ભાવનગર હાઈવેથી આ ગામોને જોડતા આ માર્ગ પર ઠેરઠેર મોટા ગાબડાં પડ્યા છે અને રસ્તો ફાટી રહ્યો છે. અકસ્માત ન થાય તે માટે સ્થાનિક લોકો દ્વારા લીલા અને સૂકા ઝાડની ડાળીઓ નાખીને કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાત્રિના સમયે રોડની બંને બાજુએ ત્રણથી ચાર ફૂટ ઊંડા ખાડા દેખાતા ન હોવાથી અનેક અકસ્માતો સર્જાયા છે. તંત્ર દ્વારા એક વર્ષ પહેલાં જ આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, પ્રથમ વરસાદમાં જ તેનું ધોવાણ થઈ ગયું હોય તેમ માટી બેસી જતાં રસ્તાઓ જમીનમાં ધસી ગયા છે. રોડ પરનો ડામર ઉખડીને પોપડાની જેમ નીકળી રહ્યો છે. લોકોના મતે, આ રસ્તા અંગે તપાસ કરવામાં આવે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ એજન્સીના ભ્રષ્ટાચારની પોલ ખુલી શકે છે.










































