એક મહિનામાં પાંચ અકસ્માત નોંધાયામાતેલા સાંઢની જેમ ફરતા વાહનો સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ
ઉના,તા.ર૧
ઉનાના ખાપટ ગામે છેલ્લા એક મહિનામાં પાંચ જેટલા અકસ્માતો સર્જાયા છે. જેમાં ગત રાત્રિનાં ગામ નજીક જીનિંગ મિલ પાસે એક કાર નં. જીજે ૦૫ જેએલ ૭૪૯૪ વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા બાવળના ઝાડમાં કાર ઘૂસી ગઈ હતી. જેમાં યુવાનને હાથ પગમાં નાની મોટી ઇજા પહોંચી હતી. જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી. કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યાથી અક્સ્માત સર્જાયો કે પછી કોઇ રસ્તા પર અન્ય વાહન સાથે અક્સ્માત થયો તે અંગે જાણવા મળ્યું નથી. કાર સવાર યુવાનોને ઇજા પહોંચતા તેને તેમના સગાસંબધીઓ ઘટના સ્થળે દોડી ગયેલ અને ખાનગી કારમાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા ખાપટ ગામે રહેતા માલાભાઇ મોરી રાત્રીના ગામ પાસે જ રોડક્રોસ કરી રહ્યા હતા ત્યારે ઉનાથી ગીરગઢડા ગામ તરફ જતા એક કાર ચાલકે આ વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ઇમરજન્સી ૧૦૮માં ઉના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજ્યું હતું. આમ છેલ્લા એક માસમાં ખાપટ ગામ પાસે પાંચ જેટલાં અક્સ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને મોત પણ નિપજ્યા છે.