ઊના તાલુકાના ઊંટવાળા અને લુહારીમૌલી ગામ વચ્ચે આવેલા વાડી વિસ્તારમાં બપોરના સમયે દીપડાએ આધેડ પર હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ઊંટવાળા અને લુહારીમૌલી વચ્ચેના વાડી વિસ્તારમાં નારણભાઈ શાર્દુલભાઈ વાઘેલા(ઉંમર ૫૦ વર્ષ) પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન નજીકના વિસ્તારમાં વસવાટ કરતા દીપડાઓ પૈકીનો એક દીપડો અચાનક વાડીમાં આવી પહોંચ્યો હતો. નારણભાઈ કંઈ સમજે તે પહેલાં જ દીપડાએ તેમના પર હુમલો કરી હાથને જડબામાં દબોચી લીધો હતો. અચાનક બનેલી ઘટનાથી નારણભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ એકસાથે હાકલા-પડકારા કરતા દીપડો ગભરાઈ ગયો હતો અને નારણભાઈને છોડી નજીકના વિસ્તારમાં નાસી ગયો હતો. બાદમાં લોહીલુહાણ હાલતમાં નારણભાઈને તાત્કાલિક સારવાર માટે ઊના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.