પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દશામાંના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભક્તજનો દશામાંની મૂર્તિ ઘરે લાવી પૂજા-અર્ચના કરે છે અને ધામધૂમથી ઉજવણી દરમ્યાન સંકલ્પ પણ લે છે. ૧૦ દિવસ ભક્તિમય માહોલમાં આ તહેવારની ઉજવણી કર્યા બાદ, દશામાંની વિદાય વેળાએ ભક્તજનો આંખમાં અશ્રુ સાથે દરિયામાં મૂર્તિનું વિસર્જન કરે છે. આજે સવારે વાજતે-ગાજતે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા અહેમદપુર માંડવી બીચ પર વિશાળ સંખ્યામાં ભક્તજનો પહોંચ્યા હતા. તેમણે દશામાંને ભાવભરી વિદાય આપીને મૂર્તિનું દરિયામાં વિસર્જન કર્યું.અહી, અસંખ્ય દશામાંની ખંડિત મૂર્તિઓ અને મૂર્તિ પર કરવામાં આવેલા શણગાર દરિયામાંથી બહાર તણાઈને કાંઠે આવી પહોંચ્યા હતા. જ્યાં નજર કરો ત્યાં ખંડિત થયેલી મૂર્તિઓ જોવા મળતી હતી. દરિયામાં આવી રીતે વિસર્જન કરવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને વ્યાપક નુકસાન થાય છે. આ પરિસ્થિતિ જોઈને સ્થાનિક યુવાનો રાકેશ સોલંકી, ડા. દાફડા સહિતના સેવાભાવી યુવકોએ દરિયા કાંઠાની સફાઈ હાથ ધરી હતી.