ગીર જંગલને અડીને આવેલા વિસ્તારોમાં વન્યજીવોના પ્રવેશની વધુ બે ઘટનાઓ આજે સામે આવી છે. ઉના તાલુકાના અમોદ્રા ગામે એક રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી ગયો હતો, જ્યારે ગીરગઢડાના ડમાસા ગામે એક સિંહ પાણીની કૂઈ (કૂવો) માં ખાબક્યો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરી બંને પ્રાણીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નવાબંદર રાઉન્ડની ગીરગઢડા બીટના કાર્યક્ષેત્રના ડમાસા ગામે ગામની વચ્ચે આવેલા શિવાલય મંદિરની પાણીની કૂઈમાં એક નર સિંહ (પાઠડો) પડી ગયો હોવાની જાણ થઈ હતી. તે જ સમયે, નવાબંદર બીટના અમોદ્રા ગામે રમેશભાઈ બાબુભાઈ ઝાલાવડીયાના રહેણાંક મકાનના રસોડામાં દીપડો ઘૂસી ગયો હતો અને દીપડાએ હુમલો કરી રમેશભાઈને ઇજા પહોંચાડી હતી.