ઉના તાલુકાના નવાબંદર સ્થિત પીલુડી વિસ્તારમાં એક કદાવર નર સિંહ અકસ્માતે કૂવામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ જસાધાર વન વિભાગના ઇર્હ્લં કુલદીપ ચૌહાણ અને તેમની અત્યાધુનિક રેસ્ક્યુ ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવાની ઊંડાઈમાં ૧૦ થી ૧૫ ફૂટ ઉપર બેઠેલો સિંહ સતત ગર્જનાઓ કરી રહ્યો હતો, જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન સિંહ વારંવાર દોરડા કાપી નાખતો હોવાથી ઓપરેશન પડકારજનક બન્યું હતું. આખરે એક કલાકના અથાક પરિશ્રમ બાદ સિંહને દોરડા વડે સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો. સફળ રેસ્ક્યુ બાદ વનરાજને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે.








































