લાંબી કાનૂની લડાઈ પછી, ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ આખરે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. જાકે, ફિલ્મના નિર્માતાઓ માટે બધું બરાબર નથી. ફિલ્મના નિર્માતા અમિત જાનીએ હવે દાવો કર્યો છે કે તેમને ફિલ્મ અંગે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યા પછી, ‘ઉદયપુર ફાઇલ્સ’ શુક્રવારે સમગ્ર ભારતમાં રિલીઝ થઈ. ૨૦૨૨ માં કન્હૈયા લાલની વાસ્તવિક હત્યા પર આધારિત આ ફિલ્મને કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડ્યો. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં કેટલીક એવી બાબતો બતાવવામાં આવી છે જે વિવાદ પેદા કરી શકે છે.
અમિત જાનીએ એકસ પર જણાવ્યું હતું કે તેમને અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન આવી રહ્યા છે. ફોન કરનારે તેમને બોમ્બથી ઉડાવી દેવાની અથવા ગોળી મારી દેવાની ધમકી આપી છે. જાનીએ વધુમાં જણાવ્યું હતું કે ફોન કરનારે પોતાનું નામ તબરેઝ જણાવ્યું હતું, જે બિહારનો રહેવાસી છે. જાનીએ પોતાની પોસ્ટમાં અધિકારીઓને ફોન કરનાર સામે કેસ નોંધવા અને તેની ધરપકડ કરવાની માંગ કરી છે. જાનીએ આ પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને વડા પ્રધાન તેમજ યુપી પોલીસને પણ ટેગ કર્યા છે.
ગયા મહિને, કેન્દ્ર સરકારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઉદયપુર ફાઇલ્સના નિર્માતાને વાય-કેટેગરીની સુરક્ષા પૂરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે તેમના જીવને જાખમ છે. કનહૈયા લાલની ભૂમિકામાં વિજય રાજ અભિનિત ઉદયપુર ફાઇલ્સ’ અગાઉ ૧૧ જુલાઈના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સરશીપ અને કાનૂની અવરોધોને કારણે તે મોડી પડી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટને ફિલ્મની રિલીઝ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી સામે દાખલ કરાયેલા પડકારોનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ ફિલ્મ ૨૦૨૨ માં દરજી કન્હૈયા લાલની હત્યા પર આધારિત છે, જેની રાજસ્થાનના ઉદયપુરમાં તેની દુકાનમાં ધોળા દિવસે બે માણસોએ હત્યા કરી હતી. તેણે કથિત રીતે ભાજપના ભૂતપૂર્વ સભ્ય નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. નુપુર શર્માએ એક ખાનગી ન્યૂઝ ચેનલ પર એક ડિબેટ શો દરમિયાન પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ઉદયપુર ફાઇલ્સનું દિગ્દર્શન ભરત એસ શ્રીનેટ અને જયંત સિંહા દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ અમિત જાની દ્વારા કરવામાં આવ્યું છે.