કન્હૈયાલાલ હત્યા કેસના પાંચ દિવસ બાદ સોમવારે બપોરે ૧૨ વાગ્યાથી ઉદયપુરમાં ઈન્ટરનેટ શરૂ થઈ ગયું છે. આ સાથે જ ઉદયપુર શહેર આજે સંપૂર્ણ રીતે ખુલી ગયું છે વહીવટીતંત્રે ઉદયપુરમાં ૧૨ કલાક માટે કર્ફ્‌યુમાં રાહત આપી છે. જે બાદ સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી બજાર ખુલ્લા રહી શકશે
બીજી તરફ હિન્દુત્વવાદી સંગઠનો અને વેપારીઓના આહ્વાન પર સીકરમાં મૌન સરઘસ કાઢવામાં આવ્યું હતું. લોહરગલ ધામના મહંત અવધેશાચાર્ય અને સાંસદ સુમેદાનંદ સરસ્વતી સહિત મોટી સંખ્યામાં લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. આને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારમાં રવિવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે બપોરે ૨ વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બુંદીમાં પણ આજે બજાર બંધ છે. રવિવારે બપોરથી જયપુરમાં ઈન્ટરનેટ શરૂ થઈ ગયું હતુ.
૨૮ જૂને ઉદયપુરમાં બે લોકોએ કન્હૈયાલાલ નામના વ્યક્તિની દુકાનમાં ઘૂસીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીઓએ હત્યા પહેલા અને પછીનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેણે વડાપ્રધાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જાકે, ઘટના બાદ જ પોલીસે બંને મુખ્ય આરોપીઓને પકડી લીધા હતા. બાદમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.