પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. રવિવાર (પહેલી જૂન) સાંજે સિક્કિમમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલનથી ત્રણ જવાનોના મૃત્યુ નીપજ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૬ સૈનિકો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, રવિવાર (પહેલી જૂન ૨૦૨૫)ના રોજ સાંજે ૭ વાગ્યે ઉત્તર સિક્કિમના ચટ્ટનમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ઘરોને ભારે નુકસાન થયું હતું. આ ભૂસ્ખલનમાં ત્રણ જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ગુમ પણ છે. મૃતકોની ઓળખ અને ગુમ થયેલા લોકોની ઓળખ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોચેન અને લાચુંગ વિસ્તારોમાં લગભગ ૧૫૦૦ પ્રવાસીઓ ફસાયા છે. મંગન જિલ્લાના એસપી સોનમ દેચુ ભૂટિયાએ જણાવ્યું હતું કે, ‘૧૧૫ પ્રવાસીઓ લાચેનમાં અને ૧૩૫૦ પ્રવાસીઓ લાચુંગમાં રોકાયા છે. ભૂસ્ખલનને કારણે બંને બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે. લાચુંગ સાથેનો માર્ગ સંપર્ક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને આજથી પ્રવાસીઓનું સ્થળાંતર શરૂ થશે. બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશન ટીમે ભૂસ્ખલનથી જમા થયેલા કાટમાળને દૂર કર્યો છે, ક્ષતિગ્રસ્ત ભાગોને ફરીથી બનાવ્યા છે અને ફિડાંગ ખાતે ‘સસ્પેન્શન બ્રિજ’ પાસેની તિરાડો ભરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી લાચુંગ-ચુંગથાંગ-શિપ્યારે-શાંકલાંગ-ડિક્ચુ રોડ દ્વારા ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાનો માર્ગ મોકળો થાયો છે.

ચોમાસાના આગમન સાથે, દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન ખુશનુમા રહે છે. રવિવારે સાંજે દિલ્હીના ઘણા ભાગોમાં હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો, જેનાથી ગરમીથી થોડી રાહત મળી હતી. બીજી તરફ, પૂર્વોત્તરમાં ભારે વરસાદથી લાખો લોકો પ્રભાવિત થયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ૫ દિવસ સુધી વરસાદની આ શ્રેણી જોવા મળશે. રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે. આગામી ૧-૨ દિવસ સુધી દિલ્હીમાં હળવો વરસાદ અને ધૂળની તોફાનો પણ જોવા મળી શકે છે.

ઉત્તર પૂર્વના ૬ રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તર પૂર્વમાં અત્યાર સુધીમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ પછી, મણિપુરના ઘણા શહેરોની સ્થિતિ ખરાબ છે. ઇમ્ફાલમાં, દરેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. ત્રિપુરા, સિક્કિમ, આસામ અને ઉત્તર પૂર્વના અન્ય વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે પૂરગ્રસ્ત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.એક પ્રેસ રિલીઝમાં, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ૫-૭ દિવસ સુધી ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની આ શ્રેણી જોવા મળી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી એક થી બે દિવસ સુધી દિલ્હીમાં તાપમાનમાં કોઈ ખાસ વધારો થશે નહીં. મંગળવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે યુપીના ૧૪ જિલ્લાઓમાં વાવાઝોડા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં લખનૌ અને કાનપુરનો સમાવેશ થાય છે. પશ્ચિમી વિક્ષેપ અને પવનોની અસરને કારણે, રાજ્યમાં હવામાન બદલાઈ રહ્યું છે અને આજથી વરસાદ શરૂ થવાની સંભાવના છે.

અન્ય રાજ્યોમાં હવામાન કેવું રહેશે તે જોઇએ તો આગામી ૪ દિવસ સુધી બિહારમાં ભેજવાળી ગરમી અને વરસાદની શક્યતા છે, જેના કારણે લોકોને અસુવિધા થઈ શકે છે.મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ગઈકાલે રાત્રે રાજસ્થાનમાં જોરદાર વાવાઝોડા અને હળવો વરસાદ પડ્યો છે. હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર, ૨ જૂનથી પશ્ચિમી વિક્ષેપ ફરીથી સક્રિય થવાની સંભાવના છે. આને કારણે, ૨ થી ૪ જૂન દરમિયાન બપોર દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ, ભારે વાવાઝોડા અને ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની સંભાવના છે. હરિયાણામાં નૌતાપા હજુ પણ ચાલુ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ પછી ચોમાસા પહેલાનો વરસાદ થઈ શકે છે. આના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે

ઉત્તરપૂર્વ ભારતના આકાશમાં એકઠા થયેલા કાળા વાદળોએ હવે લોકોના જીવન પર તબાહી મચાવી દીધી છે. છ રાજ્યોમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે. બધે પાણી જ પાણી છે… પાણી અને વિનાશનું દ્રશ્ય. બ્રહ્મપુત્ર સહિત ૧૦ નદીઓ પૂરમાં છે અને ખતરાના નિશાનને વટાવી ગઈ છે. લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના સ્તરે ચાલી રહી છે. ગામડા પાણીમાં ડૂબી ગયા છે.

ખેતરો, રસ્તાઓ અને ઘરો બધા ડૂબી ગયા છે. સતત વરસાદે જનજીવનને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર આવી રહેલા ચિત્રો અને વીડિયો આત્માને હલાવી દે તેવા છે. ક્યાંક માસૂમ બાળકોને વહેતા પાણીમાંથી બચાવવામાં આવી રહ્યા છે, તો ક્યાંક છત પર ફસાયેલા લોકો મદદ માટે વિનંતી કરતા જોવા મળી રહ્યા છે.

આસામની જીવનરેખા ગણાતી બ્રહ્મપુત્ર નદી આ સમયે ખતરનાક સ્વરૂપમાં છે. દિબ્રુગઢ, નિમ્મતીઘાટ સહિત ઘણી જગ્યાએ બ્રહ્મપુત્ર ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. માત્ર બ્રહ્મપુત્ર જ નહીં પરંતુ ૧૦ થી વધુ નદીઓ પૂરમાં છે. પરિણામે, હજારો ગામડાઓ પૂરમાં ડૂબી ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. અત્યાર સુધીમાં, ૩.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. હજારો પરિવારોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. શાળાઓ, કોલેજા અને ઓફિસો બંધ કરવામાં આવી છે. વાહનોને બદલે રસ્તાઓ પર હોડીઓ દોડી રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વરસાદ ચાલુ રહેશે, તેથી વહીવટીતંત્રે આગામી કેટલાક દિવસો માટે હાઇ એલર્ટ જારી કર્યું છે.