રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે લીધેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપતા મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે ૨૦૭૫ એમએલડી નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણીનું લેવલ ઘટતા, તેમાંથી પાણીનો ઉપાડ ૧૮૦ એમએલડીથી ઘટીને ૧૦ થી ૧૫ એમએલડી થયેલ છે જેના માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-૨ જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. આ માટે તા. ૨૫ એપ્રિલ- ૨૦૨૨થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મી-૨ જળાશય ભરવામાં આવશે. એ જ રીતે કચ્છ જીલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પામ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આોજન છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જાડી દેવામાં આવેલ છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે.
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં જળસંગ્રહ થાય એ માટે પ્રતિ વર્ષ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને જળાશયો ઊંડા કરવા સહિત કેનાલ સફાઈના કામો હાથ ધરાઇ રહ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૮,૭૦૦ જેટલા કામો હાથ ધરાયા છે તે તમામ કામો આગામી તા.૩૧ મે સુધી પૂર્ણ કરવા સૂચના આપી દેવાઇ છે.