રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૩ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જોકે અત્યાર સુધી આ યુદ્ધમાં કોઈની જીતની આગાહી કરી શકાતી નથી અને ન તો હાલમાં આ યુદ્ધનો અંત આવે તેવી કોઈ શક્યતા છે. તમને જણાવી દઈએ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ઘણી વખત આરોપ લગાવ્યો છે કે રશિયા યુદ્ધમાં ઉત્તર કોરિયાની મદદ લઈ રહ્યું છે. તે જ સમયે, થોડા મહિના પહેલા, યુક્રેનિયન સૈનિકોએ ઉત્તર કોરિયાના ઘણા સૈનિકોને પણ પકડી લીધા હતા. હવે આ મામલામાં એક નવો વળાંક જાવા મળ્યો છે.
રશિયા હંમેશા યુક્રેનના આ આરોપને નકારી કાઢતું આવ્યું છે. હવે ઉત્તર કોરિયાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવા માટે પોતાના સૈનિકો મોકલ્યા છે. અમેરિકા, દક્ષિણ કોરિયા અને યુક્રેનના ગુપ્તચર અધિકારીઓ આ વાતનો દાવો ઘણી વખત કરી ચૂક્્યા છે. આ ત્રણેય દેશોના ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ ગયા વર્ષે ૨૦૨૪માં લગભગ ૧૦,૦૦૦-૧૨,૦૦૦ સૈનિકો મોકલ્યા હતા. ઉત્તર કોરિયા તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. હવે ઉત્તર કોરિયાની શાસક વર્કર્સ પાર્ટીના સેન્ટ્રલ મિલિટરી કમિશને રાજ્ય મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે કિમ જાંગ ઉને પરસ્પર સંરક્ષણ કરાર હેઠળ પોતાના લડાયક સૈનિકો રશિયા મોકલ્યા છે.
આ નિવેદનમાં, કિમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રશિયામાં સૈનિકોની તૈનાતીનો ઉદ્દેશ્ય યુક્રેનના નિયો-નાઝી કબજેદારોનો નાશ કરવાનો અને રશિયન સશસ્ત્ર દળોની મદદથી કુર્સ્ક પ્રદેશને મુક્ત કરવાનો છે. નિવેદન અનુસાર, કિમે કહ્યું કે ન્યાય માટે લડનારા બધા આપણા હીરો છે અને માતૃભૂમિના સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયા તેની મદદ માટે રશિયામાં વધુ સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે, જોકે કોરિયન સૈનિકોને રશિયામાં ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫ ના એક અહેવાલ મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ ૩૦૦ ઉત્તર કોરિયાઈ સૈનિકો માર્યા ગયા છે અને ૨,૭૦૦ સૈનિકો ઘાયલ થયા છે.