ઉત્તરાયણ પહેલા દોરીને કારણે વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. સોમા તળાવ પાસે ગળામાં પતંગનો દોરો ભરાઇ જતાં બાઈક સવાર ફૂડ ડિલિવરી બોયનું મોત નીપજ્યુ છે. જેના કારણે પરિવારનો માળો વિખરાઈ ગયો છે. આ યુવાનના બે નાના બાળકોએ પિતાનો આશરો ગુમાવ્યો છે. હાલ પરિવારમાં આઘાત અને શોક ફેલાઈ ગયો છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાનો યુવાન હરિનાથ રાઠવા વડોદરાના દંતેશ્વરમાં રહીને નોકરી કરતો હતો. ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરતો યુવક રવિવારે બપોરે પોણા બાર વાગ્યે બાઇક લઇને ડભોઇ રોડ પરથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરી ગળામાં ફસાતા તેઓ લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા. આ ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
માહિતી મળી રહી છે કે, છોટાઉદેપુરના કવાંટના મોરગણા ગામમાં રહેતો માત્ર ૨૭ વર્ષનો યુવાન હરિનાથ હસમુખભાઇ રાઠવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેને નોકરીમાં રજા હોય ત્યારે તે ફૂડ ડિલીવરી બોયનું કામ કરતો હતો. જેથી તે રવિવારે બપોરે તે ફૂડ ડિલીવરીનો ઓર્ડર આપવા માટે બાઇક લઇને નીકળ્યો હતો. રવિવારે બપોરના સમયે સોમા તળાવ પર આવેલી શ્રમજીવી સોસાયટી નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરીના કારણે તેનું ગળું કપાઇ ગયુ હતુ. જેથી લોહીલુહાણ હાલતમાં હરિનાથને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.