રાજકોટમાં કૌટુંબિક કાકીએ પોતે આપેલા ઉછીના નાણાની ઉઘરાણી કરતા ,ભત્રીજાએ કાકીને ઝેરી દવા પીવરાવી દીધી હતી. મૂળ જસદણના દહીસરા વિસ્તારના વતની પાર્વતી બહેન સાકરીયાએ,પોતાના ભત્રીજા અર્જુનએ સીમમાં બાંધી દઈ ઝેર પીવરાવી દીધાનો આક્ષેપ જે તે સમયે કર્યો હતો.પોલીસે આ મુજબનું નિવેદન પણ નોંધ્યું હતું.બે દિવસ પહેલાની આ ઘટનામાં પાર્વતી બહેન સાકરીયા ( ઉ ૪૫ )નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પાર્વતી બહેન સાકરીયા બે દિવસ પહેલા એક સગાઇ પ્રસંગે સરધારના લોધીડા ગામે ગયા હતા.ત્યાંથી બરવાળા જતી વેળા સાંજે મોડું થઇ ગયું હતું. પરિણામે તેઓ સરધારથી જસદણ પહોચ્યા. જસદણની બજારમાં તેમનો કૌટુંબિક ભત્રીજા અર્જુન મળ્યો. પાર્વતી બહેને,અર્જુનને અગાઉ ૨૦ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. આ પૈસાની માગણી પાર્વતી બહેને અર્જુન પાસે કરી.અર્જુને, તેમને ઘરે આવી પૈસા લઇ જવા પણ જણાવ્યું.
પૈસા મળી જશે માનીને,પાર્વતી બહેન અર્જુન સાથે નિકળ્યા.પરંતુ અર્જુન ઘરના બદલે સીમમાં લઇ ગયો અને પાર્વતી બહેનને બાંધી દઈ ઝેરી દવા પીવરાવી દીધી. બીજા દિવસે માંડ-માળ છૂટીને પાર્વતી બહેન રોડ પર પહોચ્યા અને તેમના ભાણેજ અને તેના પુત્રને સઘળી ઘટના જણાવતા,બંનેએ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.આ વખતે જ પોલીસે પ્રાથમિક નિવેદન નોંધ્યું હતું.
પોલીસને આપેલા નિવેદન બાદ હવે પોલીસ આખી ઘટનામાં કેટલું તથ્ય છે તે ચકાસી રહી છે.ઉલ્લેખનીય છે કે, પાર્વતી બહેનના પતિ વિઠલભાઈ યાર્ડમાં મજૂરી કરે છે.ભાવેશે પણ આ જ કેફિયત જણાવી હતી.હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.