એક વખત ‘ગ્રેટ માઉસ મૅરેથાન’નું આયોજન થયું. આ એક ભવ્ય સ્પર્ધા હતી જેની બધા ઉંદરો આતુરતાથી રાહ જોતા હતા. આ સ્પર્ધામાં ભાગ લઈ ગ્રાન્ડ ચૅમ્પિયનનું ટાઈટલ જીતવા સૌ ઉંદરોએ કમર કસી હતી. આ સ્પર્ધામાં સૌ ઉંદરોની ઝડપ, ધીરજ અને હિંમતની કસોટી થવાની હતી.
જગ્ગુ નામનો ઉંદર આ સ્પર્ધા જીતવા માટે મક્કમ હતો. હજુ જગ્ગુ ખુબ ઝડપથી દોડી શકતો નહોતો, કે તેનું શરીર પણ એટલું કસાયેલું ન હતું. પરંતુ આ સ્પર્ધા જીતી ગ્રાન્ડ ચૅમ્પિયન બનવું એ તેનું સ્વપ્ન હતું. તે ટી.વી. અને મોબાઇલ પર આ મૅરેથાનના ઘણા વીડિયોઝ જોતો હતો. વીડિયોઝમાં હાથમાં ટ્રોફી સાથેના વિજેતા ચૅમ્પિયન જોઈ જગ્ગુ ઘણો આનંદિત થતો. તે આ ચૅમ્પિયન્સના પગલે ચાલવા માંગતો હતો અને વિજેતા બનવા ઈચ્છતો હતો.
ગમે તે ભોગે આ સ્પર્ધા જીતી ગ્રાન્ડ ટાઈટલ મેળવવા તેણે આકરી પ્રૅક્ટિસ આરંભી દીધી. તે વહેલી સવારથી જ અભ્યાસમાં લાગી જતો. એટલું જ નહીં, તે ખેતરોમાં દોડતો, ઊંચા વૃક્ષો પર ઝડપથી ચઢી જતો અને વળી પાણી હોય તેવી જગ્યાઓમાં દોડવાની પ્રૅક્ટિસ કરતો. સાથેસાથે તે અંધારામાં દોડવાની પ્રૅક્ટિસ પણ કરતો. તેના મિત્રો, ખુશી ખિસકોલી અને સ્વીટુ સસલું સતત તેને મદદ કરી રહ્યાં હતાં. તેઓ જગ્ગુને જરૂરી ટીપ્સ અને પ્રોત્સાહન આપી મદદ કરતા હતા અને જગ્ગુનો ઉત્સાહ વધારતા હતા.
જેમ જેમ મૅરેથાનનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ સૌની ઉત્તેજના વધતી જતી હતી. ભાગ લેનાર સૌ સ્પર્ધકો આકરી મહેનત કરી રહ્યા હતા. આ રેસ એક ભવ્ય જૂના વૃક્ષથી શરૂ થવાની હતી. અહીંથી શરૂ કરી ઘાસનું મેદાન, નદી, એક અંધારી ટનલ જેવી જગ્યાએથી પસાર થઈ એક સૌથી ઊંચી ટેકરી પર પહોંચવાનું હતું. આ રેસ અહીં સમાપ્ત થવાની હતી. વચ્ચે એક પથ્થરના પાતળા પુલ પરથી પણ પસાર થવાનું હતું.
આખરે સ્પર્ધાનો દિવસ આવી પહોંચ્યો. વહેલી સવારથી જ આ ભવ્ય મૅરેથાન જોવા ઘણા પ્રાણીઓ એકઠા થયા હતા. એમાંય ઉંદરજાત સાગમટે અહીં આવી પહોંચી હતી. ચૂં… ચૂં… ચૂં… ચે… ચે… ચે… ચારેકોર કોલાહલ હતો. સૌ કોઈ તેમના મનપસંદ રેસર્સ માટે ઉત્સાહિત હતા. જગ્ગુના સ્પર્ધકો ખુબ ચપળ અને ઝડપી હતા. જગ્ગુ થોડો નર્વસ હતો. પરંતુ તે જાણતો હતો કે તેણે ધ્યાન કેન્દ્રિત કરી જીતવાનું જ છે.
આખરે રેસ શરૂ થઈ. સૌ રાકેટની જેમ વછૂટ્યા. સૌ ખુબ તીવ્ર ગતિએ દોડી રહ્યા હતા. પણ જગ્ગુ તેની યોજનાને વળગી રહ્યો. તે એકધારી ગતિએ દોડતો રહ્યો. ઘાસના મેદાનનો પ્રથમ પડાવ સરળ હતો, પરંતુ પછીનો માર્ગ નદી તરફ જતો હતો. એક ઉંદર ઝડપી હતો પરંતુ સાવધ ન હતો. ભીના અને ચીકણા પથ્થરો પર લપસીને તે પાણીમાં પડી ગયો. તો વળી એક ઉંદર ઝડપથી દોડવાના પ્રયાસમાં કાદવમાં ફસાઈ ગયો. તો વળી કેટલાક ઉંદર અતિશય ઝડપી દોડીને થાકી ગયા હતા.
હવે જગ્ગુ પણ નદી પાસે પહોંચ્યો હતો. અહીંથી ધ્યાનપૂર્વક પસાર થવાનું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને લપસણા પથ્થરો પર ધીમેથી પસાર થઈ ગયો. હિંમતપૂર્વક નવી ઉર્જા સાથે તે આગળ
આભાર – નિહારીકા રવિયા વધી રહ્યો હતો. પાછળ હોવા છતાં તેણે સતત ગતિ જાળવી રાખી હતી. તેના મિત્રોએ આપેલ તાલીમ અને ટીપ્સનો ઉપયોગ તે કરી રહ્યો હતો. ધીમા પણ મક્કમ ડગલે તે આ મૅરેથાન જીતવા તરફ આગળ વધી રહ્યો હતો.
અંતે જગ્ગુ સૌથી ઊંચી ટેકરી પર પહોંચી ગયો. દૂર ઊંચી ટોચ પર ગોલ્ડન ટ્રોફી ચમકતી હતી. ભલે જગ્ગુ પાસે તીવ્ર ઝડપ ન હતી, પરંતુ તેણે ગજબની સમજદારી, સ્ફૂર્તિ અને હિંમત બતાવ્યા હતા. જગ્ગુએ જેવી વિજયરેખા પાર કરી કે તરત તેના મિત્રો અને સમર્થકો આનંદિત થઈ ગયા. વાતાવરણ કીલકારીઓથી ગૂંજી ઊઠ્‌યું. સૌના આશ્ચર્ય વચ્ચે જગ્ગુએ સફળતાપૂર્વક રેસ પૂરી કરી હતી અને ગ્રાન્ડ ચૅમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો.
જગ્ગુના હાથમાં ચમકતી ગોલ્ડન ટ્રોફી હતી. તે અને તેના મિત્રો અને સમગ્ર ઉંદરજાત જગ્ગુના વિજયી પ્રદર્શનથી ખુશ હતી. વિજય સરઘસ સાથે જગ્ગુનું સ્વાગત અને સન્માન થયા.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭