રાજયમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ૩ના સારવાર દરમિયાન મોત થયા છે. ૮ થી વધુ લોકો સારવાર હેઠળ છે. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા ૯ લોકોમાંથી ૨ પોલીસ કર્મી હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ થયેલો અકસ્માત જોવા ઉભેલા લોકો પર કારચાલકે કાર ચલાવી છે. ૧૭૦થી ૧૮૦ની ઝડપે આવેલી જગુઆર કાર ટોળા પર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૬ લોકોના મોત થયા છે. આ સાથે અકસ્માતમાં કુલ ૯ લોકોના મોત થયા છે. જ્યારે ઇજાગ્રસ્ત ૩ લોકોમાંથી ૨ લોકોની હાલત ગંભીર છે. ૨ લોકોને તાત્કાલીક વધુ સારવાર માટે અસારવા સિવિલ મોકલાયા છે.
અમદાવાદના બ્રિજ પર થાર ગાડીના અકસ્માત જાવા એકઠા થયેલા લોકો પર ( જગુઆર ) કારે ૧૫થી વધુ લોકોને ઉડાવ્યા છે. થારના અકસ્માતમાં ટ્રાફિક પોલીસની ગાડી પહોંચી હતી. આ સમયે જગુઆર ગાડીએ પોલીસની ગાડીમાં રહેલા પોલીસકર્મીને પણ ઉડાવ્યા છે. જેમાં બે પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત થયુ છે. પૂર પાટ ઝડપે આવતી કારે ૨૦૦ મીટર સુધી લોકોને ફંગોળ્યા છે.
આ ગોઝારા અકસ્માતમાં મોતની ચિચિયારીઓ દૂરદૂર સુધી સંભળાઈ રહી હતી. અકસ્માતમાં મોટા ભાગે વિદ્યાર્થીઓનું મોત થયું છે. મૃત થયેલા વિદ્યાર્થીઓ બોટાદ અને ભાવનગર થી અમદાવાદ ભણવા માટે આવ્યા હતા. માતા-પિતાએ બાળકોને ભણવા મોકલ્યા અને આજે તેમનું મરેલું મોઢું જોવાનો વારો આવ્યો છે. અકસ્માત કરનાર જગુઆર ગાડી ચાલકને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
પુરપાટે કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં બે યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે. પિતા પ્રજ્ઞેશ પટેલ વર્ષ ૨૦૨૦માં રાજકોટ ની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે. પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.મૃતકોમાં નરવ રામાનુજ ઉંમર-૨૨ -ચાંદલોડિયા,અમન કચ્છી ઉંમર ૫ – સુરેન્દ્રનગર,કૃણાલ કોડિયા ઉંમર ૨૩ વર્ષ – બોટાદ રહેવાસી,થલતેજ પીજીમાં રહે છે.,રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર ૨૩ – બોટાદ રહેવાસી અને થલતેજ પીજીમાં રહે છે.,અરમાન અનિલ વઢવાનિયાં -ઉંમર ૨૧ સુરેન્દ્રનગર, અક્ષર ચાવડા – ઉંમર ૨૧ બોટાદ ,સાગર વન ફ્લેટ વ†ાપુર પીજી માં રહે છે. આજે કોલેજ એડીમિશન કરવા આવ્યો હતો,ધર્મેન્દ્રસિંહ -૪૦ વર્ષીય ઉંમર ટ્રાફિક એસજી-૨ પોલીસ સ્ટેશન, પોલીસકર્મી, નિલેશ ખટિક ઉંમર ૩૮ વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ નો સમાવશે થાય છે
આ સમગ્ર મામલે એફએસએલ,આરટીઓની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં કોઈ પણ ગુનેગારને છોડવામાં નહી આવે તેવુ નિવેદન ટ્રાફિક ડીસીપી નિતા દેસાઈએ આપ્યુ છે. તો આ સાથે નિતા દેસાઈએ જણાવ્યું છે કે કાર ચાલક તથ્ય પટેલ હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે.
તેમજ અકસ્માત સર્જનાર તથ્ય પટેલના કેટલાક તબીબી પરીક્ષણો કરવાના બાકી છે. જેના રિપોર્ટ આવ્યા બાદ કથિત આરોપીની ધરપકડ કરવામાં આવશે. કારચાલક તથ્ય પટેલ પર પંચનામુ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કારચાલક વિરુદ્ધ પીઆઈ વી.બી.દેસાઈને ફરિયાદી બનાવાયા છે. અને આઇપીસીની કલમ ૩૦૪, ૨૭૯, ૩૩૭, ૩૩૮ હેઠળ નોંધી ફરિયાદ નોંધવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને ટ્વીટ કરીને અમદાવાદના ઇસ્કોન બ્રિજ અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે. તેમજ તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ખૂબ જ દુઃખ વાત છે કે તથ્ય પ્રજ્ઞેશ પટેલ કે જે ગોતા વિસ્તારમાં રહે છે. તથ્ય પટેલ મિત્રો સાથે ગાડી લઈને નીકળ્યો હતો. તેણે ઇસ્કોન બ્રિજ પર લોકોની મદદ કરી રહેલા પોલીસ જવાન સહિત અનેક લોકો પર ગાડી ફેરવી દીધી. આ અકસ્માતમાં ૯ જેટલા લોકો મૃત્યુ પામ્યા, જેમાં અનેક યુવાનો પણ અને બે અમારા પોલીસના જવાનો મૃત્યુ પામ્યા છે.
હર્ષ સંઘવી જણાવ્યું કે, તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોની મંજૂરી બાદ તેની ધરપકડ કરવામાં આવશે. સાથે જ જે લોકો આ કારમાં સવાર હતા, તેઓની પણ શોધખોળ ચાલી રહી છે.