ઈરાન અને ઈઝરાયલ સંઘર્ષ દરેક પસાર થતા દિવસ સાથે તીવ્ર બની રહ્યો છે. બંને પક્ષો એકબીજા પર ઉગ્ર હુમલો કરી રહ્યા છે. આ સંઘર્ષને કારણે ભારતમાં પેટ્રોલિયમ કટોકટીનો ભય છે. જાકે, ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે ઈરાન-ઈઝરાયલ સંઘર્ષથી ભારતમાં પેટ્રોલિયમ કટોકટી નહીં સર્જાય. તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં દરરોજ સાંજે એક બેઠક યોજાઈ રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. બેઠકની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઉપરાંત, સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા નથી.
ઈરાન અને ઈઝરાયલ સંઘર્ષ અંગે, સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં ત્યાંની પરિસ્થિતિ અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. વૈશ્ચિક સ્તરે, માંગ કરતાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધુ છે. ભારત હવે તેની જરૂરિયાતો માટે ચાલીસ દેશોમાંથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, તે પહેલા ૨૭ દેશોમાંથી આવતું હતું. તેમણે કહ્યું કે ભારત પાસે તેની જરૂરિયાતો માટે પૂરતો ભંડાર છે અને ભારતમાં ભાવ વધવાની કોઈ શક્યતા નથી.
છેલ્લા ત્રણ વર્ષમાં, ૨૧ નવેમ્બર, ૨૨ મે અને ૨૪ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત દરરોજ ૫.૫ મિલિયન બેરલનો વપરાશ કરે છે. અહીં ફક્ત ૧.૫-૨ મિલિયન બેરલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે, જ્યાં ઈરાન સંકટની અસર પડી શકે છે. તેમણે કહ્યું કે જા આવું થાય તો પણ, અન્ય ઉત્પાદકો પાસેથી ક્રૂડ ઓઇલ બીજા માર્ગે ખરીદી શકાય છે. બજારે પહેલાથી જ અંદાજ લગાવી દીધો છે કે જા તેલ બીજા માર્ગે આવે તો પરિવહન અને વીમાનો ખર્ચ કેટલો થશે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૩૮% રશિયા પાસેથી ખરીદી રહ્યું છે. તે જ સમયે, ભારતની ૫૦ ટકા એલપીજી જરૂરિયાતનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે.