અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાનની અમેરિકા સાથે તેના પરમાણુ કાર્યક્રમ અંગેની વાતચીત વેગ પકડી રહી છે અને આગામી બે દિવસમાં આ સંદર્ભમાં મોટી જાહેરાત થઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો ઓમાન દ્વારા મધ્યસ્થી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી બે દિવસમાં વાટાઘાટો અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે મધ્યસ્થીઓએ શુક્રવારે તેમના નિવેદનમાં કહ્યું કે બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. બંને દેશો વચ્ચે પાંચમા રાઉન્ડની વાતચીત રોમમાં થઈ.
ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ જર્સીમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ‘ઈરાન સાથે અમારી કેટલીક સારી વાતચીત થઈ છે અને મને ખબર નથી કે હું તમને આગામી બે દિવસમાં સારા સમાચાર આપીશ કે ખરાબ, પરંતુ મને લાગે છે કે તે સારા રહેશે.’ ટ્રમ્પે કહ્યું, “આપણી વાતચીતમાં ઘણી પ્રગતિ થઈ છે. ચાલો જોઈએ આગળ શું થાય છે, પરંતુ મને લાગે છે કે ઈરાનના મોરચે સારા સમાચાર મળવાના છે.” અમેરિકા અને ઈરાન વચ્ચે પાંચમા રાઉન્ડની વાતચીત રોમમાં ઓમાની દૂતાવાસમાં થઈ. જેમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ સ્ટીવ વિટકોફ અને માઈકલ એન્ટોન દ્વારા કરવામાં આવ્યું હતું. માઈકલ એન્ટોન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પોલિસી પ્લાનિંગ ડિરેક્ટર છે.
અમેરિકા અને ઈરાન યુરેનિયમ સંવર્ધન તેમજ ઈરાનના પરમાણુ કાર્યક્રમને કેવી રીતે મર્યાદિત કરવો તે અંગે વાટાઘાટો કરી રહ્યા છે, જેના બદલામાં અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા કેટલાક આર્થિક પ્રતિબંધોને હળવા કરવાનું વિચારશે.









































