પાકિસ્તાનના સૂચના પ્રધાન અત્તા તરારએ સોમવારે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ લશ્કરી કેસ અંગેનો કોઈપણ નિર્ણય કેસની યોગ્યતા પર આધારિત હશે. તેમનું નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ ઈસ્લામાબાદમાં તેમની મુકતીની માંગ સાથે રેલી કાઢી હતી. ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.
ગયા વર્ષે ૯ મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ સૈન્ય સંસ્થાઓ પર હુમલા થયા હતા. ટોચના સરકારી અધિકારીઓનું કહેવું છે કે ખાન કથિત રીતે આ હુમલાઓમાં સામેલ હતો. અધિકારીઓએ આ આરોપો પર ઈમરાન ખાન પર મિલિટરી કોર્ટમાં કેસ ચલાવવાની વાત કરી છે. જા કે, નાગરિકો પર લશ્કરી કાર્યવાહી અંગેનો કેસ અંતિમ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. હિંસા બાદ સૈન્ય સત્તાવાળાઓને સોંપવામાં આવેલા ૧૦૦ થી વધુ નાગરિકો સામે કેસ પેન્ડીંગ છે.
પીટીઆઈના નેતાઓએ ઈસ્લામાબાદમાં પ્રથમ ચૂંટણી પછીની રેલીમાં સરકાર પાસેથી ઈમરાન ખાનને મુક્ત કરવાની માંગ કરી હતી. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીન ગાંડાપુરે સરકારને ચેતવણી આપી હતી કે જા ખાનને બે અઠવાડિયામાં મુક્ત કરવામાં નહીં આવે તો પાર્ટી પોતે જ તેમને મુક્ત કરવાનો પ્રયાસ કરશે.
ગાંડાપુરે કહ્યું, જા પીટીઆઈના સ્થાપકને એકથી બે અઠવાડિયામાં કાયદેસર રીતે મુક્ત કરવામાં નહીં આવે તો અમે તેમને જાતે જ મુક્ત કરી દઈશું. તેણે એમ પણ કહ્યું કે તે પહેલા ગોળીનો સામનો કરશે, જેથી ખાન જેલમાંથી બહાર આવી શકે. પીટીઆઈએ રવિવારે શકતી પ્રદર્શન કર્યું હતું, જેમાં પાર્ટીએ ખાનની તાત્કાલિક મુકતીની માંગ કરી હતી અને સરકાર પર પક્ષ વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. આ રેલી ઈસ્લામાબાદમાં સાંગજાની માર્કેટ પાસે યોજાઈ હતી, જેમાં હજારો પીટીઆઈ સમર્થકોએ હાજરી આપી હતી અને પાર્ટીની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત જાહેર થયા બાદ ગયા વર્ષે ૫ ઓગસ્ટે ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે વિવિધ કેસમાં જેલમાં છે અને રવિવારે તેણે જેલમાં ૪૦૦ દિવસ પૂરા કર્યા છે