પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનની પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જેમિમાએ માંગ કરી હતી કે ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેના પરિવાર સાથે વાત કરવાની છૂટ આપવામાં આવે. જેમિમા ગોલ્ડસ્મિથે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં વિરોધને શાંત કરવા માટે ઈમરાન ખાન પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેમિમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શેર કરેલી પોસ્ટમાં એવા સમયે આ આરોપ લગાવ્યા છે જ્યારે પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક ચાલી રહી છે.
ઈમરાન ખાન એક વર્ષથી વધુ સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને તેમની સામે ઘણા કેસ પેન્ડીગ છે.એસસીઓ મીટિંગ દરમિયાન કોઈપણ પ્રકારના વિરોધને રોકવા અને સુરક્ષાના કારણોસર પંજાબ સરકારે ઈમરાન ખાનને ૭ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી કોઈને મળવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ અંગે નારાજગી વ્યક્ત કરતા જેમિમા ગોલ્ડસ્મિથે લખ્યું કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીએમએલએનના સમર્થકો દ્વારા તેને સોશિયલ મીડિયા પર હેરાન કરવામાં આવી રહી છે. તેમને બળાત્કારની ધમકીઓ મળી રહી છે.
બ્રિટિશ નાગરિક જેમિમા ગોલ્ડસ્મિથે ૧૯૯૫માં ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને બંનેએ ૨૦૦૪માં છૂટાછેડા લીધા હતા. બંનેને લગ્નજીવનથી બે પુત્રો છે, જેઓ બ્રિટનમાં રહે છે. જેમિમાએ ઈમરાન ખાન પર જેલમાં એકલા રહેવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે જેલમાં ઈમરાનના સેલમાં વીજળી બંધ થઈ ગઈ છે અને તેને તેના સેલમાંથી બહાર આવવાની પણ પરવાનગી નથી. આ ઉપરાંત તેમના રસોઈયાને પણ રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જેમિમાએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનના ભત્રીજા હસન નિયાઝીને ગયા વર્ષથી નજરકેદ રાખ્યા છે અને તાજેતરમાં ઈમરાનની બહેનોની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમિમાએ કહ્યું કે ઈમરાનના પુત્રોને પણ તેમના પિતા સાથે વાત કરવાની મંજૂરી નથી આપવામાં આવી રહી. જેમિમાએ કહ્યું કે પીટીઆઈ કાર્યકર્તાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને સરકાર વિરોધનો અવાજ દબાવવા માંગે છે.