ઇફ્‌કોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ હતી. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે. ભાજપે બિપીન ગોતા (પટેલ)ને મેન્ડેટ આપ્યો હતો. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડીયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ ૧૮૨ મતમાંથી ૧૮૦ મત પડ્‌યા હતા. આ ૧૮૦ મતમાંથી જયેશ રાદડીયાને ૧૧૪ મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરીફ બિપીન ગોતાને ૬૬ મત જ મળ્યા હતા. તેમજ હવે આજરોજ દિલીપભાઈ સંઘાણી ઇફ્‌કોના ચેરમેન તરીકે બિનહરીફ થશે. ઈફ્‌કોની આ ચૂંટણીમાં કુલ ૧૮૨ મતદારો હતા અને તેમાંથી ૯૪ જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા. જયેશ રાદડીયાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, દિલીપભાઈ સંઘાણી તેમજ અન્ય સ્થાનિક નેતાઓનું સમર્થન હતું. રાજકોટના ૪૦થી વધુ ઉપરાંત અમરેલીના ૨૯, મોરબીના ૧૨ જેટલા મતદારો પણ રાદડીયાની સાથે હોવાથી તેમની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવતી હતી. ઇફ્‌કોની ચૂંટણીમાં આજે ૧૮૨ માંથી ૧૮૦ લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બાકી રહેતા બે મતદારો વિદેશ હોવાથી તેમનું મતદાન થાય તેમ ન હતું છતાં મતદાન માટે ચાર વાગ્યાનો સમય હોવાથી ત્યાં સુધી પ્રતિક્ષા કરાયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.