દેશની સહકારી ક્ષેત્રની શિરમોર સંસ્થા ઈફકોના ચેરમેન પદે દિલીપભાઈ સંઘાણી બિનહરીફ થયા બાદ જીલ્લા ભાજપ પરિવાર દ્વારા અમરેલી ખાતે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં તેમણે લાગણીસભર સંબોધન કર્યું હતું. સંઘાણીએ ભાજપના સ્થાપનાકાળને યાદ કરી તે સમયના નેતૃત્વ, મહાનુભાવો-કાર્યકરોને યાદ કર્યા હતા એટલુ જ નહિ જનસંઘના હસુભાઈ ત્રિવેદીને યાદ કરીને અમરેલીના કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા. સંઘાણીએ વધુમાં જણાવેલ કે, સહકાર સૌને સાથે રાખીને ચાલે છે તેથી જ દેશનો કોઈપણ નાગરિક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. તેમણે જણાવેલ કે કેન્દ્ર-રાજય સરકારની વિવિધ ગ્રામ્ય ઉત્થાનની યોજનાઓ, ખેડૂતો, પશુપાલકો, મત્સ્યોદ્યોગ માટે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ (કાર્ડ) ના માધ્યમથી લોકો સુધી પહોચાડવાનું કામ કરશે તેમ જણાવી ઉપસ્થિત સૌ પ્રત્યે આભાર પ્રગટ કરેલ. સાથોસાથ સંઘાણીના ૭૧-માં જન્મ દિવસે અમરેલીની જનતાએ બેવડી ખુશી સાથે શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો હતો. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ જણાવેલ કે, અમર ડેરીના માધ્યમથી રોજગારીના દ્વાર ખોલવા સંઘાણીએ સતત સંઘર્ષ કર્યો છે. ગામડા, ખેતી, ખેડૂત, શ્રમિકોનો વિકાસ આપણે સૌ જોઈ શકીએ છીએ તે અમર ડેરીને આભારી છે. સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ કે, દિલીપભાઈએ કાર્યકર્તાઓનું સંવર્ધન અને અનેક ક્ષેત્રમાં આજીવિકા પ્રદાન કરી છે. અમરેલી જિલ્લામાં ભાજપનો પાયો સ્થાપિત કરીને કમળને ઘર-ઘર સુધી પહોચાડવાનું સંઘર્ષમય કામ કરેલ છે. અભિવાદન સમારંભમાં પીઠાભાઈ નકુમે સ્વાગત પ્રવચન કર્યુ જ્યારે આભારવિધિ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયાએ કરેલ અને કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયાએ કર્યું હતું. આ તકે દિલીપભાઈ સંઘાણી ઉપરાંત સાંસદ નારણભાઈ કાછડીયા, પુનાભાઈ ગજેરા, પીઠાભાઈ નકુમ, મેહુલભાઈ ધોરાજીયા, હિરેનભાઈ હિરપરા, પ્રાગજીભાઈ હિરપરા, જયંતિભાઈ પાનસુરીયા, ભગુભાઈ સોલંકી, પ્રફુલભાઈ સેંજલીયા, જીવનભાઈ બારૈયા, જે.પી.રાઠોડ (મહુવા), મનિષ સંઘાણી તેમજ જિલ્લા-તાલુકા ભાજપ પદાધિકારીઓ, અમરેલી જિલ્લાના તમામ મંડળો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, તમામ પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.