ઈડીએ યુટ્યુબર એલ્વીશ યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલ્વીશ યાદવ સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઈડી એલ્વીશ યાદવની માલિકીની મોંઘી કારોના કાફલાની તપાસ કરશે. એલ્વીશ યાદવની સાથે મોટી હોટલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસના માલિકોની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નોઈડા પોલીસે સાપના ઝેર કેસમાં એલ્વીશ યાદવની ધરપકડ કરી હતી અને હાલમાં તે જામીન પર બહાર છે. જો કે, હવે લાગે છે કે ટૂંક સમયમાં ઈડી પણ એલ્વીશ પર તેની પકડ વધુ કડક કરશે.
વાસ્તવમાં, યુટ્યુબર એલ્વીશ યાદવની નોઈડામાં સાપમાંથી ઝેર કાઢીને રેવ પાર્ટીનું આયોજન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. નોઈડા પોલીસને આ રેવ પાર્ટીમાં સાપ અને ૨૦ એમએલ સાપનું ઝેર પણ મળ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં, પોલીસે નોઈડાના સેક્ટર ૫૧માં બેન્ક્‌વેટ હોલમાં દરોડા પાડીને સાપની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સાપના ઝેરના વેચાણના આરોપમાં ચાર સાપ ચાર્મર્સ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી કોબ્રા અને ઝેર સહિત નવ સાપ પણ કબજે કર્યા હતા.
નોઈડા ઝોનના ડીસીપી વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું હતું કે તમામ નામના આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. આમાં મુંબઈ સ્થિત ફોરેન્સીક મેડિસિન અને સાયકોલોજી વિભાગના નિષ્ણાતોની સલાહ પણ સામેલ કરવામાં આવી છે. ડીસીપી વિદ્યાસાગર મિશ્રાએ કહ્યું કે નોઈડા પોલીસની એક ટીમે દેશભરમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસોનું નિરીક્ષણ કર્યું. બીજી ટીમે જયપુરથી ફોરેન્સીક રિપોર્ટનો અભ્યાસ કર્યો હતો. રિપોર્ટમાં એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે સાપના ચાર્મર્સ પાસેથી જે સાપનું ઝેર મળ્યું હતું તે ક્રેટ પ્રજાતિના કોબ્રાનું હતું.