રક્ત ચંદનથી દાણચોરીના કેસમાં ઈડીએ બાદશાહ મલિકની ધરપકડ કરી છે. અંડરવર્લ્‌ડ સાથે મલિક સંડોવાયેલો હોવાનું કહેવાય છે.

ડીઆરઆઈ દ્વારા વર્ષ ૨૦૧૫માં રક્તચંદનની દાણચોરી મામલામાં બાદશાહ મલિક અને વિજય પૂજારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સામેલ હતા. મુંબઈની કંપનીના માધ્યમથી વિદેશમાં રક્ત ચંદન મોકલવામાં આવી રહ્યું હતું. ન્હાવાશેવા બંદર પર કન્ટેનરમાંથી કરોડો રૃપિયાનું રક્તચંદન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન મલિક, પૂજારી અને હેગડેની સંડોવણીની જાણ થઈ હતી.

આંધ્ર પ્રદેશનો પૂજારી કથિતરીતે રક્તચંદન આપવાની વ્યવસ્થા કરતો હતો. પછી હેગડેની કંપની દ્વારા રક્તચંદન વિદેશ મોકલવામાં આવતું હતું. આ મામલે મુંબઈમાં વિવિધ સ્થળે ઈડીએ પણ છાપો માર્યો હતો.ઈડીની ઓફિસમાં મલિકની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પછી છેવટે મલિકની ધરપકડ કરાઈ હતી.