ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે અને કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય સતીશ કૃષ્ણ શૈલની ધરપકડ કરી છે. રાજ્યમાં કથિત ગેરકાયદેસર આયર્ન ઓર નિકાસ સાથે જાડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સતીશ કૃષ્ણ શૈલની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર કન્નડમાં કારવાર વિધાનસભા બેઠકના ૫૯ વર્ષીય ધારાસભ્યને મંગળવારે મોડી રાત્રે ફેડરલ તપાસ એજન્સીના બેંગલુરુ પ્રાદેશિક કાર્યાલયમાં પૂછપરછ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મંગળવારે, તેમને એક ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને બુધવારે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં એજન્સી તેમની નવી કસ્ટડી માંગશે. ગયા મહિને, એજન્સીએ ચિત્રદુર્ગના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ‘પપ્પી’ની ગેરકાયદેસર સટ્ટાબાજી સાથે જાડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.
૨૦૧૦ માં કર્ણાટક લોકાયુક્ત દ્વારા બેલ્લારીથી બેલેકેરી બંદર સુધી ગેરકાયદેસર રીતે પરિવહન કરાયેલા લગભગ આઠ લાખ ટન આયર્ન ઓરનો ખુલાસો થયો હતો. આ કેસમાં ઈડીએ ૧૩-૧૪ ઓગસ્ટના રોજ કારવાર, ગોવા, મુંબઈ અને દિલ્હીમાં દરોડા પાડ્યા હતા. ઈડીના જણાવ્યા અનુસાર, જે સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં આશાપુરા માઇનકેમ, શ્રી લાલ મહેલ, સ્વસ્તીક સ્ટીલ્સ (હોસ્પેટ),આઇએલસી ઇન્ડસ્ટ્રીઝ, શ્રી લક્ષ્મી વેંકટેશ્વર મિનરલ્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.સેલ સહિત આ તમામ સંસ્થાઓને બેંગલુરુમાં સાંસદો અને ધારાસભ્યો માટેની વિશેષ અદાલત દ્વારા શ્રી મલ્લીકાર્જુન શિપિંગ પ્રા. લિ. દ્વારા અન્ય લોકો સાથે મળીને આયર્ન ઓર પાવડરની “ગેરકાયદેસર” નિકાસ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી, એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ઈડીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અને અન્ય લોકો સામેની તેમની તપાસ ખાસ અદાલત દ્વારા જારી કરાયેલા દોષિત ઠેરવવાના આદેશ પર આધારિત છે. જાકે, કર્ણાટક હાઈકોર્ટે ગયા વર્ષે ધારાસભ્યની સાત વર્ષની જેલની સજા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.