ઈટાલીમાં ફિલ્મમેકર પૌલ હેગિસની જાતીય સતામણીના આરોપ હેઠળ ધરપકડ થઈ હતી. દક્ષિણ ઈટાલીમાં રહેતી એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમેકરે બે દિવસ સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું.
ઓસ્કર વિજેતા કેનેડિયન ફિલ્મમેકર પૌલ હેગિસ ઈટાલીમાં યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યા હતા. એ દરમિયાન દક્ષિણ ઈટાલીમાં ઓસ્ટુનીમાં એક યુવતીનું જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ ફિલ્મમેકર સામે લાગ્યો હતો. ફિલ્મમેકરના પ્રવક્તાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પોલીસે પૌલની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૃ કરી હતી.
ઈટાલીના મીડિયા અહેવાલો પ્રમાણે ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલી એક વિદેશી યુવતીનું તેની સહમતી વગર ૬૯ વર્ષના પૌલ હેગિસે જાતીય શોષણ કર્યું હતું. એ યુવતીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનો આરોપ લાગ્યો એ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી.
કેનેડિયન ફિલ્મસર્જક અને સ્ક્રીનપ્લે લેખક પૌલ હેગિસને ૨૦૦૬માં ક્રશ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીનપ્લે રાઈટરનો પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. મેટ ડિલોન અને સેન્ડ્રા બુલોક અભિનિત આ ફિલ્મના ડિરેક્ટર પણ પૌલ હેગિસ જ હતા.