સરકાર દ્વારા ઈકો સેન્સેટિવ ઝોનને લઈ એક પરિપત્ર જાહેર કર્યા બાદ ત્યારે હવે કોંગ્રેસ દ્વારા મોરચો માંડી વિરોધ કરી લડત કરવા માટેની તૈયારીઓ કરાઈ છે. આવતીકાલ તા.૯ના રોજ ધારીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક સહિત નેતાઓ આવશે. ધારીમાં ૩-૩૦ વાગે કેટલાક ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ખેડૂતો, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અને ભાવનગર જિલ્લાના ખેડૂતો ઉપર આફત આવી છે. આ જિલ્લાના ૭૨ ગામડા અને અન્ય જિલ્લાના ગામડાના હજારો લોકોનો જીવન મરણનો પ્રશ્ન ઉભો થયો છે. ઈકો સેન્સેટિવ ઝોન કાયદો લાગુ પાડવા સરકાર જઈ રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઝોન વાઇઝ બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડતી આવતી પાર્ટી છે. ઈકો સેન્સેટિવના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાંત વકીલ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ, દિલ્હીના પ્રભારી સહિત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે.