ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્‌સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની બાકીની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી સિરીઝની કોઈપણ મેચમાં નહીં રમે અને ટીમ ઈન્ડીયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ૨ ટેસ્ટ ન રમનાર કોહલીએ અંગત કારણોસર છેલ્લી ૩ મેચમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. જા કે આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી આ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.
એક અહેવાલ અનુસાર વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની સીરિઝની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી નામ પાછું લીધું છે. કહેવાય રહ્યું છે કે શુક્રવારે સિલેક્ટર્સે બાકીની ત્રણ મેચના સિલેક્શન માટે ઓનલાઈન મિટિંગ કરી હતી જેમાં કોહલીએ સિલેક્ટર્સેને જણાવ્યું હતું કે તેઓ બાકીની મેચમાં હિસ્સો નહીં લઈ શકે.
આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને વિરાટ કોહલીના ન રમવાને વિશ્વ ક્રિકેટ માટે મોટો ફટકો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે જા વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચમાં નહીં રમે તો તે માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટ માટે પણ મોટો ફટકો હશે.