ઇસ્કોન બ્રિજ પર દોઢેક વર્ષ પહેલા મધરાત્રે બેફામ રીતે જગુઆર કાર ચલાવી ૯ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે ૭ દિવસના જામીન આપ્યા છે. આ પહેલા પણ તથ્યએ જેલમાંથી બહાર આવવા પણ પ્રયત્નો કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહતો. અંતે તથ્યએ તેની માતાની કરોડરજ્જુની મોટી સર્જરી માટે જામીનની અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરી છે.

નવ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા રજૂઆત કરી હતી કે, આગામી ૧૨ મેના રોજ માતાને કરોડરજ્જુની સર્જરી થવાની છે. જે થોડી જોખમી હોવાથી માતાને ૨૫ દિવસ સુધી હોસ્પિટલમાં રખાશે, જેથી તેમની પાસે રહેવું પડે તેમ છે. જેને ધ્યાને લઈને ન્યાયાધીશ એમ.આર. મેંગડે માતાની સારવાર માટે ૧ હેડ કોન્સ્ટેબલ અને ૨ કોન્સ્ટેબલની નજર હેઠળ ૭ દિવસના જામીન મંજૂર કર્યા છે અને સાત દિવસ પૂર્ણ થતા જ તેને જાતે જ જેલમાં પહોંચવા કોર્ટે આદેશ આપ્યા છે.

એક વર્ષ પહેલા તથ્ય પટેલ પોતાના દાદાનું મોત થતા તેમની અંતિમવિધિમાં હાજર રહેલા માટે પોલીસ જાપ્તા સાથે જામીન પર બહાર આવ્યો હતો. જે બાદ તે ઘણા સમયથી જેલમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને પિતાની બીમારીનું કારણ આપી જામીન માટે અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેણે હાઈકોર્ટમાં માતાની સર્જરીનું કહી જામીન મેળવ્યા છે.

૨૦ જુલાઈ ૨૦૨૩ની અડધી રાત્રે અમદાવાદના એસ.જી. હાઇવે પરના ઇસ્કોન બ્રિજ પર એક જીપ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેનો અવાજ સાંભળતા ઘટનાસ્થળે ૨૫-૩૦ લોકોની ભીડ સાથે પોલીસ પણ એકઠી થઈ હતી, તેઓ સમજવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા કે આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે, પણ એટલીવારમાં ૧૪૨ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે જગુઆર કાર ચલાવી તથ્ય પટેલે આ ભીડને ટક્કર મારી હતી. જેમાં ૯ લોકોનો ઘટના સ્થળ પર જ મોત થયા હતા. ઘટના બાદ તથ્યની કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું.

બાદમાં તપાસ કરતા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ એક સામૂહિક દુષ્કર્મનો આરોપી નીકળ્યો હતો. થોડા વર્ષ અગાઉ રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. પાંચ વ્યક્તિઓ યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા, જ્યાં કોલ્દ્રીન્ક્સકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશનું નામ સામે હતું.