ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના વડા વી. નારાયણને મંગળવારે જણાવ્યું હતું કે અવકાશ એજન્સી ૪૦ માળની ઇમારત જેટલી ઊંચી રોકેટ બનાવી રહી છે, જે ૭૫ કિલોગ્રામ વજનના પેલોડને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલી શકશે. નારાયણન ઉસ્માનિયા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે આ વર્ષે ઇસરો પાસે એનએવીઆઇસી ઉપગ્રહ,એન-૧ રોકેટ જેવા પ્રોજેક્ટ છે. તેની પાસે ભારતીય રોકેટ દ્વારા ૬,૫૦૦ કિલોગ્રામ વજનના અમેરિકન સંચાર ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મોકલવાનું કાર્ય પણ છે. નારાયણને કહ્યું, શું તમે જાણો છો કે પ્રથમ રોકેટની ક્ષમતા કેટલી હતી? ડા. એપીજે અબ્દુલ કલામ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ લોન્ચરનું વજન ૧૭ ટન હતું અને તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં ૩૫ કિલોગ્રામ વજનના પેલોડ મોકલી શકતું હતું. આજે આપણે એક એવું રોકેટ બનાવી રહ્યા છીએ જે ૭૫ હજાર કિલોગ્રામ પેલોડ વહન કરી શકે છે, જેની ઊંચાઈ ૪૦ માળની ઇમારત જેટલી હશે.

નારાયણને કહ્યું કે  ઇસરો આ વર્ષે ભારતીય નૌકાદળ માટે બનાવેલ ટેકનોલોજી પ્રદર્શન ઉપગ્રહ અને લશ્કરી સંચાર ઉપગ્રહ જીએસએટી  -૭ઇ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે હાલના જીએસએટી-૭ (રુÂક્મણી) ઉપગ્રહનું સ્થાન લેશે.

તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં ભ્રમણકક્ષામાં ૫૫ ઉપગ્રહો છે, જે આગામી ત્રણ-ચાર વર્ષમાં ત્રણ ગણા વધશે. દીક્ષાંત સમારોહમાં તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ નારાયણનને વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. તેમણે ભારતના અવકાશ કાર્યક્રમમાં નારાયણનના યોગદાનની પ્રશંસા કરી.