ભારતના મીડિયા (કહેવાતા ગોદી મીડિયામાં પણ) ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ અંગે સખત રીતે ઈરાન તરફી અને પાકિસ્તાન તરફી સમાચારોનો મારો ચલાવાઈ રહ્યો છે. ઈરાન સાઉદી પર મિસાઇલ છોડે (જેને સાઉદી નિષ્ફળ બનાવી દે) તો પણ ઈરાનનું ભીષણ આક્રમણ આવું કહીને પાર્ટલ પર હેડિંગ મૂકવાનું અને ચેનલ પર ત્રાસ છૂટે તેવા ઢેં ઢેં સંગીત સાથે સતત એકના એક સમાચાર બતાવવાના ! શું દર મિનિટે ઈરાન મિસાઇલ છોડતું હશે? વાતું કરે છે !
અને પહેલા જ દિવસથી ઇઝરાયેલ તેમજ અમેરિકા તો યુધ્ધ હારી જ ગયા હતા ! ઈરાનના સર્વોચ્ચ મઝહબી વડા આયાતોલ્લાહ ખામેનેઇ, સંરક્ષણ પ્રધાન અઝીઝ નાસીરઝાદેહ, સુરક્ષા વડા અલી લારિજાની, ગુપ્તચર પ્રધાન ઇસ્માઇલ ખાતિબ, બાસિજ અર્ધસૈન્ય દળના વડા ઘોલામરેઝા સોલેમની માર્યા ગયા, સાત હજારથી વધુ લોકો માર્યા ગયા, ઈરાનનું ઊર્જા આંતરમાળખું ખોરવાઈ ગયું, ગેસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વાટર પ્લાન્ટ, આૅઇલ રિફાઇનરી, સ્ટીલ કંપની મુબારક સ્ટીલ કંપની પર આક્રમણ, ૧૨ પ્લાનેટરી મિક્સર્સના નાશથી મિસાઇલ બનાવવાની ક્ષમતા પર મોટો પ્રહાર, મોટા ભાગનું વાયુ રક્ષણ નેટવર્ક નાશ પામ્યું, ઈરાનનાં ૯૨ ટકા નૌ સેના જહાજો ડૂબી ગયાં તેમ છતાં ઇઝરાયેલની ઍર ડિફેન્સ સિસ્ટમે ઈરાનની મિસાઇલને નિષ્ફળ બનાવી હોય તો તે સમાચાર ભારતીય મીડિયા એવી રીતે બતાવે છે જાણે ઈરાને મોટો મીર માર્યો હોય. સાશિયલ મીડિયામાં મીમમાં અર્શદ વારસી કહે છે ને તેમ આપણને કહેવાનું મન થાય, ‘કહાં સે આતે હૈ યે લોગ’.
તમે જુઓ કે ભારતીય મીડિયાએ એક તરફી પ્રસારણમાં પાકિસ્તાનના સમાચાર નેટવર્ક પર મોસાદના મોટા આક્રમણના સમાચારને જે મહ¥વ આપવું જોઈએ તેવું ન આપ્યું. પાકિસ્તાનની મેઇનસ્ટ્રીમ ન્યૂઝ ચેનલો જીયો ટીવી, એઆરવાય અને સમાને મોસાદે હૅક કરી લીધી હતી અને પાકિસ્તાની સેના વિરુદ્ધ વલણ અપનાવવા પ્રજાને અનુરોધ કરતા મેસેજ પ્રસારિત કર્યા હતા !
હા, પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરશે તેવા સમાચારને ગાઈવગાડીને ભારતના મીડિયાએ ચલાવ્યા-છાપ્યા અને ‘ન્યૂઝ ૧૮’ પર સાદ ઓમારે એવા સમાચાર પણ લખ્યા કે પાકિસ્તાનને દલાલીનો પુરસ્કાર મળી ગયો અને ઈરાને પાકિસ્તાનનાં જહાજોને હાર્મુઝ સામુદ્રધૂનીમાંથી પસાર થવા છૂટ આપી છે. પરંતુ એ સમાચાર કોઈએ ન આપ્યા કે પાકિસ્તાનને દલાલીની સજા મળી
હા, એક મુસ્લિમ દેશ કતારે પાકિસ્તાની નાગરિકો માટે ‘આગમન પર વિઝા’ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો ! આની સામે (સેક્યુલરિયાવ મુજબ, ઈરાન તરફી વલણ ન લીધું હોવા છતાં) ભારતીયોને કતાર ‘આગમન પર વિઝા’ આ યુધ્ધ સંકટમાં ચાલુ છે. એ પણ કોઈ મીડિયાએ ન કહ્યું કે ઈરાને સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાનના કૂટનીતિના પ્રયાસોમાં ઈરાન સહભાગી નથી. તમે વિચારો કે ભારતનાં મીડિયામાં પાકિસ્તાન અને ઈરાન તરફી કેટલાં ગપગોળા ચલાવવામાં આવ્યા !
પાકિસ્તાને મધ્યસ્થીના પ્રયાસો કર્યા એવા સમાચાર તો ભારતના મીડિયાએ ચલાવ્યા પણ સાથે સાશિયલ મીડિયા પર ડાનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદમાં થયેલી કામેન્ટ, જે પાકિસ્તાન માટે મોટા અપમાનરૂપી હતી (આવું તો અનેક વાર ટ્રમ્પે કરેલું છે, દા. ત. ટ્રમ્પે શાહબાઝ શરીફની ઉપસ્થિતિમાં પણ પાકિસ્તાનનું અપમાન કરેલું છે) તે અંગે મૌન સાધી લીધું. ટ્રમ્પે કહ્યું કે “તેમને નબળા અથવા પરાજિત લોકો સાથે રહેવું ગમે છે. તેઓ સફળ માણસોને ધિક્કારે છે.” આૅપરેશન સિંદૂર અંગે ભારત હારી ગયું છે તેવી કાંગ્રેસી નેતા
પૃથ્વીરાજ ચવ્હાણની ટીપ્પણીનો આથી મોટો બીજો કયો ઉત્તર હોઈ શકે?
ટ્રમ્પને ‘મૂર્ખ’ કહેનાર સુશાંતસિંહા જે વચ્ચે ‘ન્યૂઝ કી પાઠશાળા’માં પરમ મોદી ભક્ત બની ગયા હતા (અને એનડીટીવીમાં હતા ત્યારે રાહુલ ગાંધી સૌથી લાયક કુંવારા છે અને કાર્યક્રમોમાં સ્ત્રીઓએ તેમના ગાલે પપ્પી કરી તેવા વાહિયાત સમાચાર ચલાવતા હતા) તેમણે નિરુપમા સુબ્રમણિયમે એક છાપામાં લખેલા લેખને ટિ્વટર પર શૅર કર્યો જેમાં નિરુપમાએ લખ્યું હતું કે “મધ્યસ્થી કરવા માટેના પાકિસ્તાનના પ્રયાસોની મજાક ઉડાવવાથી ભારતને કોઈ સહાય નહીં મળે. શાબ્દિક રમતથી ભારતના લોકો પ્રસન્ન થશે પરંતુ તે ભારતને ખરાબ સ્થિતિમાં મૂકે છે.”
નિરુપમા સુબ્રમણિયમ મોદી વિરોધી છે તે તો જાણીતી વાત છે, પરંતુ ભારત વિરોધી થઈ ગયાં? અને સુશાંતસિંહા તેમની સાથે સંમત થઈ ગયા? એ તો ઠીક, પરંતુ ટ્રમ્પને મૂર્ખ કહેવું એ આપણી વિદેશી નીતિ સાથે સુસંગત નથી. વિદેશી નીતિ મુજબ, મિત્ર દેશ (અને તેમાંય અમેરિકા તો શક્તિશાળી દેશ)ના વડાને મૂર્ખ કહેવા એ બે દેશો વચ્ચે સંબંધ બગાડી શકે. એક તરફ, ભારતના મિત્ર દેશના વડાને મૂર્ખ કહેવા અને બીજી બાજુ, શત્રુ દેશ પાકિસ્તાનની વાહ-વાહ. આ બંને બાબતો ભારતની વિદેશ નીતિ મુજબ ખોટી છે અને તેના પર નિયંત્રણ હોવું જોઈએ.
‘ધ વાયર’ તો હાર્ડકાર લેફિ્ટસ્ટ છે જ. તેણે લખ્યું, “મધ્યસ્થી તરીકે પાકિસ્તાનને લાભ જ લાભ છે.” બીજા એક સમાચારમાં (અગાઉ ૧૦ માર્ચે) લખ્યું હતું, “ત્રીજા વખતની મોદી સરકારની પશ્ચિમ એશિયા પરની નીતિથી ભારતનાં હિતો ખોરવાયાં છે અને ભારતે વિશ્વાસ પણ ગુમાવ્યો છે.”
ભારતનાં હિતો ખોરવાયાં હોય તો ઈરાન હાર્મુઝ સામુદ્રધૂનીમાંથી ભારતના ચારથી વધુ જહાજોને સુરક્ષિત રીતે કેવી રીતે જવા દે? મુસ્લિમ સહિત ૧,૨૦૦ ભારતીયોને પોતાને ત્યાંથી ભારત પાછા કેવી રીતે આવવા દે?
અમેરિકાના પોતાને વ્હાઇટ હાઉસ માન્ય પત્રકાર ગણાવતા ડોમ લ્યુકરે પણ ઈરાન યુધ્ધ પર ભારતીય મીડિયાના વધુ પડતા સનસનાટી ભર્યા કવરેજની નિંદા કરી અને ‘ટિ્વટર’ પર લખ્યું, “ભારતીય સરકારી મીડિયાનું ઈરાન યુધ્ધ પરનું કવરેજ પૃથ્વી પરના બાકીના ભાગ કરતાં વધુ પડતા સનસનાટીભર્યા કવરેજના કારણે વાઇરલ બની રહ્યું છે.” જોકે ડોમે જે ક્લિપ મૂકી હતી તે દૂરદર્શનની અર્થાત્ સરકારી મીડિયાની નહોતી, તે ખાનગી ચેનલની હતી.
રવીશકુમાર બાકી રહી જાય? તેમણે તો કહ્યું, ‘ઇસ યુદ્ધ મેં પાકિસ્તાન કા રાલ અચાનક બડા દિખને લગા હૈ’.
પરંતુ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમની સ્ટાઇલ મુજબ, પાકિસ્તાનને દલાલ કહ્યું. ઘણા સેક્યુલરિયાવને આ ભાષા અંગે ખોટું લાગી ગયું ! (જો એક ફિલ્મ ‘ધૂરંધર’ જે કાલ્પનિક હોવાનું ડિસ્ક્લેમર આપી સચ્ચાઈ બતાવે છે તેનાથી ખોટું લાગી જતું હોય તો આ તો વિદેશ પ્રધાને કહ્યું, તેનાથી તો ખોટું લાગે જ ને !)
પાકિસ્તાન જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે મોટો ભા બનવાનો પ્રયાસ કરતું હતું ત્યારે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલી ભારતમાં કહી રહ્યા હતા, “ભારત વિશ્વાસુ અને એક સ્થિતિ પર રહેલું મધ્યસ્થી છે. ભારત આ યુધ્ધ અટકાવવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે.” આ ટીપ્પણીને ભારતીય મીડિયાએ બતાવી તો ખરી, પરંતુ ખૂણે ખાંચરે.
ડાનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વાતચીતની તક આપવા ત્રણ-ચાર દિવસ આક્રમણ બંધ રાખવા જાહેરાત કરી એમાં તો યુટ્યૂબરો અને તેમની સાથે ગપગોળા ફેલાવવાની સ્પર્ધામાં ઉતરેલા એન્કરો બરાડવા લાગ્યા ઃ ટ્રમ્પની શરણાગતિ ! અમેરિકા હારી ગયું.
શત્રુ ભક્તિ જેવા એક સમાચાર એવા પણ ચલાવાયા કે ‘હાર્મુઝથી તેલ ટેન્કર નીકળે કે ફસાયેલા રહે, ચીનને કોઈ ચિંતા નથી. કારણ જાણો.’ અને અંદર કારણ શું બતાવાયું હતું? જો ચીને કોઈ આગોતરી યોજના કરી હોય તો બરાબર પણ અંદર કારણ એ બતાવ્યું હતું કે ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધી રહ્યો છે, બોલો ! આટલી નાની લાઇન પર આવા હેડિંગ સાથેના સમાચાર બનાવી નાખ્યા. આવું તો ભારતમાં પણ થાય છે, પરંતુ ભારત માટે તો આ જ મીડિયા એમ અનેકવાર લખે છે કે ભારતમાં ગેસનું સંકટ, પેટ્રાલ-ડીઝલનું સંકટ.
ભારતના મીડિયામાં, ‘ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે અને તેમની વિરુધ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે’ તેવા સમાચાર અમેરિકાના સીએનએન જેવા લેફ્ટ-ઇસ્લામિક મીડિયાના સમાચારનો એઆઈ અનુવાદ કરીને આવ્યા, પરંતુ સામી બાજુ શું છે તે નથી બતાવ્યું. અમેરિકાની ફાક્સ ન્યૂઝ ચેનલે કરેલા એક પાલ મુજબ, ટ્રમ્પની લોકપ્રિયતા વધી છે. જે લોકો ખરેખર અમેરિકા વતી સીમા પર લડ્યા છે તેવા નિવૃત્ત પુરુષ અને મહિલા સૈનિકો ટ્રમ્પની પડખે મજબૂતીથી ઊભા છે. ઈરાન સામે અમેરિકાની સૈન્ય કાર્યવાહીને તેમણે સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, ટ્રમ્પના સમર્થનમાં અનેક અમેરિકનોએ રેલી કાઢી હતી. (જુઓ ૩૦ માર્ચનું અમેરિકી પત્રકાર બ્રાન્ડન સ્ટ્રાકા વાકઅવેનું ટ્વીટ).
ભારતીય મીડિયાએ આ પણ ન બતાવ્યું. એક ઈરાની અમેરિકી કહે છે કે “આ (યુધ્ધ) ૪૭ વર્ષ પહેલાં કરવાની આવશ્યકતા હતી. પરંતુ અત્યાર સુધી કોઈનામાં તે કરવાનું સાહસ નહોતું. એક વાર ઈરાનમાં લોકતંત્ર સ્થપાઈ જશે તો મધ્ય પશ્ચિમમાં ઇઝરાયેલ પછી લોકતંત્રવાળો બીજો દેશ હશે અને તો વિશ્વ આખું ત્રાસવાદમાંથી મુક્ત થઈ જશે.”
બીજી તરફ, ચીને પાકિસ્તાન પર ચીનની ઊર્જા કંપનીના ચડી ગયેલા ૨૨ કરોડ ડાલરના ઋણને ચૂકવવા કડક ચેતવણી આપી છે. જો તે નહીં ચૂકવે તો પ્રાજેક્ટ ઠપ થઈ જશે તેમ તેણે કહ્યું છે. આમ, પાકિસ્તાનમાં ચીન અને ચીનના દેવામાં પાકિસ્તાન- બંને એકબીજાના કારણે ફસાયાં છે. પરંતુ ભારતના સેક્યુલર મીડિયા માટે આવા સમાચાર મહ¥વના જ નથી. તેમના માટે તો ભારત કા દુશ્મન અપના મિત્ર.
યથાર્થમાં, ભારતમાં મીડિયાનું વલણ ઈરાન તરફી કેમ રહ્યું? શિયાઓની ટીઆરપી મેળવવા. સાથે જ જે લેફ્ટ-ઇસ્લામિક ઇકા સિસ્ટમ છે તે પણ કારણભૂત રહી. અમેરિકામાં ‘ન્યૂ યાર્ક ટાઇમ્સ’, ‘સીએનએન’ જેવાં લેફ્ટ-ઇસ્લામિક મીડિયા ડાનાલ્ડ ટ્રમ્પના વિરોધી છે. એટલે તેઓ અમેરિકા વિરોધી સમાચાર લખે છે જેને અહીંના મીડિયામાં ભાષાંતરિત કરીને છપાય છે. દા. ત. ૨૪ માર્ચે ‘ન્યૂ યાર્ક ટાઇમ્સ’એ લખ્યું, ‘અમેરિકા શરૂઆતથી જ ઈરાન સામેનું યુધ્ધ હારી ગયું હતું અને મોસાદની યોજના પડી ભાંગી હતી અને ઈરાની લોકો વિશે એવું મનાતું હતું કે તેઓ શાસન સામે વિદ્રોહ કરશે તેઓ એક થઈ ગયા.’
સ્મરણ હોય તો, યુક્રેઇન-રશિયાના યુધ્ધની શરૂઆતથી લઈને બેએક વર્ષ સુધી ભારતીય મીડિયાએ યુક્રેઇન તરફી જ વાજું વગાડ્યું હતું. તે વખતે અમેરિકા યુક્રેઇન પડખે ઊભું હતું, શસ્ત્રો પૂરા પાડતું હતું, પરંતુ મીડિયાને કે બુધ્ધુજીવીઓને અમેરિકાની સંહારની નીતિ સામે વાંધો નહોતો ! ઈરાન વખતે તેમનો આત્મા જાગી ગયો છે. યુધ્ધ તો સંહાર જ નોતરે છે તેવી સ્મશાન વૈરાગ્ય જેવી વાતો કરવા લાગ્યા છે. તે વખતે મીડિયાએ, ‘રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનને કેન્સર છે’, ‘તેમની સામે બળવો થયો છે’, ‘યુક્રેઇનના જાકર જેવા ઝેલન્સ્કી રશિયાને કેવી ટક્કર આપે છે’, ‘રશિયા ચપટીમાં જીતી જાય તેમ હતું તો કેમ નથી જીતતું?’ આવા સમાચારો આપ-આપ કર્યા.
પરંતુ તમે જુઓ કે રશિયાને જેટલું બતાવે છે તેવું નુકસાન નથી થયું. તેનું અર્થતંત્ર તો મજબૂત થયું છે ! એક પ્રશ્નનો ઉત્તર વિચાર્યો? યુક્રેઇન-રશિયા યુધ્ધ કેમ લાંબું ખેંચાયું? એમાં રશિયાને શો ફાયદો? કારણ એ જ કે રશિયાને યુરોપને પાઠ ભણાવવો હતો. અને ઈરાન યુધ્ધમાં અમેરિકાને ચીન-ભારતને પાઠ ભણાવવો છે. પેટ્રાલ-ડીઝલ અને ગેસનું સંકટ થાય તો જ પ્રજા બળવો કરે. મોદી સરકાર ઉથલે. આ પહેલાં ઘણા પ્રયાસો કરી જોયા પણ સફળ ન થયા. રશિયાની યુરોપને પાઠ ભણાવવાની ચાલમાં અમેરિકાનો પણ તેને આડકતરો સાથ મળ્યો, વિશેષ તો ટ્રમ્પના આવ્યા પછી. કારણકે યુરોપ ચીન તરફ ઢળવા લાગ્યું હતું (છેલ્લાં એક વર્ષથી ભારત તરફ પણ ઢળ્યું છે.). વર્તમાન ઈરાન સામેના યુધ્ધમાં પણ યુરોપનો ટેકો અમેરિકાને મળ્યો નથી.
ઇતિહાસ જોશો તો સમજાશે, બીજા વિશ્વ યુધ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ (અત્યારે રશિયા)એ શીત યુધ્ધ કર્યું અને દુનિયાને બે ભાગમાં વહેંચી દીધી.
(પૃથ્વી ગોળ છે તે રીતે વિચારશો તો બંને પડોશી છે ! બંને વચ્ચે માત્ર ૫૫ માઇલેનું અંતર જ છે.) જર્મનીમાં પૂર્વ જર્મની સોવિયેતનું, પશ્ચિમ જર્મની અમેરિકા તરફી, ઉત્તર કોરિયા સોવિયેત તરફી, દક્ષિણ કોરિયા અમેરિકા તરફી, જાપાન અમેરિકા તરફી, ચીન સોવિયેત સંઘ તરફી, ભારત સોવિયેત સંઘ તરફી (અટલજી પહેલાં), પાકિસ્તાન અમેરિકા તરફી, સાઉદી-યુએઇ-ઈરાક અમેરિકા તરફી, ઈરાન સોવિયેત સંઘ તરફી પણ ‘હંગામા’ના નંદુ અને જીતુની જેમ આ બંને દેશોએ સદા વાક્યુધ્ધો જ કર્યા. ખાંડાં ક્યારેય ન ખખડાવ્યા. દુનિયાને બધાવે રાખી. આજે હવે તેઓ આવું વિભાજન તો કરી શકે તેમ નથી એટલે આ નવી રણનીતિ અપનાવી છે.
ઈરાન યુદ્ધ બાબતે ભારતીય મીડિયાના મોટા વર્ગે ગજબ ગપગોળા ચલાવ્યા. એટલું જ નહીં, પાકિસ્તાન તરફી પણ સમાચારો ચલાવ્યા છે. પાકિસ્તાને મધ્યસ્થી કરી તેમાં તો જાણે પાકિસ્તાને મીર મારી લીધો હોય તેમ ગુણગાન ગવાવા લાગ્યા. ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ટ્રમ્પે શરણાગતિ સ્વીકારી લીધી તેવા ગપ્પા પ્રાઇમ ટાઇમમાં ચલાવાયા.











































