ઇરાકની દક્ષિણે આવેલા અને મહત્વનું વેપારી કેન્દ્ર ગણાતા બસરા શહેરમાં એક મોટર સાયકલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા અને અન્ય ચાર લોકોને ઇજા થઇ હતી એમ ઇરાકના લશ્કરીદળોના પ્રવક્તાએ કહ્યું હતું.
આ પ્રચંડ વિસ્ફોટના કારણે શહેરના આકાશમાં કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા ઉઠયા હતા એમ બસરાના ગવર્નર અસાદ અલ-ઇદાનીએ પત્રકારોને કહ્યું હતું.જા કે આ મોટર સાયકલ સાથે બોંબ ફીટ કરાયો હતો કે તે કોઇ આત્મઘાતી હુમલો હતો તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી એમ કહેતા ગર્વનરે ઉમેર્યું હતું કે તે મોટર સાયકલની નજીક ઉભેલી બે મોટર કાર બળીને રાખ થઇ ગઇ હતી.
ઇરાકના લશ્કરીદળો સાથે સંલગ્ન મીડિયા સેલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ વિસ્ફોટના કારણે ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને બાજુમાં ઉભી રહેલી કારમાં આગ લાગી જતાં ચાર લોકો દાઝી ગયા હતા.
હાલ ઘટનાસ્થળે ફોરેન્સિકની ટીમ પહોંચી ગઇ છે અને આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો તેની તપાસ હાલ ચાલુ છે. તપાસ પૂરી થયા બાદ આ વિસ્ફોટ સંબંધી તમામ માહિતી જાહેર કરવામાં આવશે એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.