૨૦૨૬ માં મુંબઈ ઇન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. આ સિઝનમાં અત્યાર સુધી સાતમાંથી પાંચ મેચ હારી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું. આ હારથી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અને પ્રદર્શન પર પ્રશ્નો ઉભા થયા છે. હાર બાદ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે હાર્દિકના અનેક નિર્ણયોની ટીકા કરી હતી અને તેને જવાબદારી લેવાની સલાહ આપી હતી.
ચેન્નાઈ માટે મેચમાં સંજુ સેમસને સદી ફટકારી હતી, જેનાથી તેની ટીમને ઉચ્ચ સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી. જાકે, આ સમયગાળા દરમિયાન, મુંબઈના યુવાન બોલર ક્રિશ ભગતને ૧૬મી અને ૨૦મી ઓવરમાં સેમસન સામે બોલિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. ઇરફાન પઠાણે આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુવા બોલરને સેટ બેટ્સમેન સામે મહત્વપૂર્ણ ઓવર આપતા પહેલા કેપ્ટને જવાબદારી લેવી જાઈએ. ક્રિશ ભગતે આ બે ઓવરમાં કુલ ૩૧ રન આપ્યા, જે ટીમ માટે ખૂબ મોંઘા સાબિત થયા.
ઈરફાન પઠાણે પોતાની યુટ્યુબ ચેનલ પર હાર્દિક પંડ્યા વિશે વાત કરતા કહ્યું, “તમે ૧૬મી ઓવર એવા બોલરને આપી રહ્યા છો જે આઈપીએલમાં ફક્ત તેની બીજી મેચ રમી રહ્યો છે, અને તે પણ ફોર્મમાં રહેલા સંજુ સેમસન સામે. આ બિલકુલ સારો નિર્ણય નહોતો. તો પછી, સેમસન સામે તે જ બોલરને છેલ્લી ઓવર આપવી એ પણ સારો વિચાર નથી. તમારે જવાબદારી લેવી જાઈએ. કેપ્ટન તરીકે, તમારે સક્રિય રહેવું જાઈએ.”
ઈરફાને હાર્દિકની બેટિંગ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે નિર્દેશ કર્યો કે હાર્દિકે ૨૦૨૩ થી આઈપીએલમાં અડધી સદી ફટકારી નથી. તેના વલણમાં ફેરફારથી પેસર્સ સામે સારું પ્રદર્શન થયું છે, પરંતુ સ્પિનર સામે તેનું પ્રદર્શન નબળું છે. તેની રમત નબળી પડી છે. તે આ મેચમાં ફક્ત ૧ રન જ બનાવી શક્્યો. ઇરફાને કહ્યું, “તેની બેટિંગ સાથે પણ, તમે શરૂઆતમાં મોટો શોટ રમ્યો. દબાણ હતું, પરંતુ તમે પોતે ફોર્મમાં નથી. હાર્દિકે ૨૦૨૩ થી આઇપીએલમાં અડધી સદી ફટકારી નથી. તેને સ્પિનરરો સામે તેના ફૂટવર્કને સમાયોજિત કરવાની જરૂર છે. તેણે પોતાનું વલણ બદલ્યું છે, તેને થોડું પહોળું કર્યું છે. આનાથી તે ઝડપી બોલરોને વધુ ફટકારી શકે છે, પરંતુ સ્પિનર સામે તેનું પ્રદર્શન નબળું પડી ગયું છે. અમે ટી ૨૦ વર્લ્ડ કપમાં પણ એવું જ જાયું.”












































