ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ બાદ ફેબ્રુઆરી ૨૦૨૫માં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં છ મહિનાના રાષ્ટ્રપતિ શાસનની મુદત પૂરી થાય તે પહેલાં, તેને બીજા છ મહિના માટે લંબાવવામાં આવ્યું હતું. મણિપુરમાં લાંબા સમયથી મોટી રાજકીય ઉથલપાથલ જાવા મળી. ભાજપના નેતાઓ બીએલ સંતોષ અને સંબિત પાત્રાએ મણિપુરમાં પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી, જેનાથી એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે ભાજપે મણિપુરમાં નવી સરકાર બનાવવા માટે ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે કે નહીં. બંને નેતાઓ મણિપુરના ત્રણ દિવસના પ્રવાસે છે. આ બેઠક ભાજપ કાર્યાલયમાં બંધ દરવાજા પાછળ યોજાઈ હતી, જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહ, વિધાનસભા અધ્યક્ષ ટી સત્યવ્રત અને ૨૦ થી વધુ પાર્ટીના ધારાસભ્યો હાજર રહ્યા હતા.મણિપુરમાં ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક રાજ્ય એકમના પ્રમુખ શારદા દેવીએ અધ્યક્ષતા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકનો ચોક્કસ એજન્ડા અજાણ હોવા છતાં, ચર્ચા મણિપુરમાં રાજકીય વિકાસ પર કેન્દ્રિત હોવાની શક્્યતા છે. બેઠક પહેલા, ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સંતોષને ભાજપના નેતાઓની મુલાકાતનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે બધું સમજાવીશું.” ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે બંને નેતાઓ ટેકરી અને ખીણ જિલ્લાઓમાં પાર્ટી સંકલનને મજબૂત કરવા અને રાજ્યમાં સરકાર બનાવવાની શક્યતા શોધવા માટે મેઇતેઈ અને કુકી ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા પછી, મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા બાદ, કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું અને રાજ્ય વિધાનસભા ભંગ કરી. પક્ષના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બંને ભાજપના નેતાઓ રાજ્યના વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા ગઠબંધન ભાગીદારો અને નાગરિક સમાજ સંગઠનોના પ્રતિનિધિઓને પણ મળે તેવી અપેક્ષા છે. રાજ્યમાં વંશીય સંઘર્ષ, જે મે ૨૦૨૩ થી ચાલી રહ્યો છે, તેમાં ૨૬૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.








































