અમેરિકામાં રહેતા ભારતીયોને ત્યાંના સમાજમાં સૌથી પ્રતિષ્ઠિત સમુદાય તરીકે જાવામાં આવે છે. તેમાંથી, શિક્ષણ, કમાણી, જીવનધોરણ સહિત સરેરાશ અમેરિકનો કરતાં વધુ સારું છે. હાલમાં લગભગ ૪૦ લાખ ભારતીયો અમેરિકામાં રહે છે. પરંતુ, થોડા ભારતીયોની હરકતને કારણે આટલા મોટા સમુદાયને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક બહાનું મળી ગયું છે. તે આ બહાને ભારતીયો અંગે કોઈ પણ નિર્ણય લઈ શકે છે.
અમેરિકામાં સત્તા સંભાળતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે, તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાની નીતિને વધુ કડક બનાવશે. આ દરમિયાન, યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના ૨૦૨૪ માટે ૧૯ ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, આ વર્ષે, ઇમિગ્રેશન ઉલ્લંઘનના આરોપમાં ૨,૬૪૭ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે અને તે તમામને દેશનિકાલ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉલ્લંઘનો, મોટા ભાગના કિસ્સાઓમાં, વિઝા પર વધુ સમય રોકાવાનો અથવા ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, જે દેશોના નાગરિકોની સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે, તેમાં ભારત ચોથા ક્રમે છે, જ્યારે પ્રથમ ત્રણ સ્થાનો પર મેકસીકો (૫,૦૮૯), હોન્ડુરાસ (૨,૯૫૭) અને ગ્વાટેમાલા (૨,૭૧૩)નો કબજા છે, જે યુએસની નજીક સ્થિત છે.આઇસીઇ આ વ્યક્તિઓને દેશનિકાલ કરવાની યોજના બનાવી રહ્યું છે અને આ માટે ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટ્સનો ઉપયોગ કરી શકે છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે,આઇસીઇ પાસે ૧૮,૦૦૦ ભારતીયોની યાદી છે જેમની સામે હટાવવાના આદેશો છે અને તેમાંથી ૨,૬૪૭ ભારતીયો હાલમાં કસ્ટડીમાં છે.
આઇસીઇ ડેટા અનુસાર, નવેમ્બર ૨૦૨૪ સુધીમાં, ૧૭,૯૪૦ ભારતીયો એવા લોકોની યાદીમાં સામેલ છે, જેમની સામે અંતિમ દેશનિકાલના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં ભારતમાં દેશનિકાલ કરાયેલા લોકોની સંખ્યામાં ૪૦૦%નો વધારો થયો છે. ૨૦૨૧માં કુલ ૫૯,૦૧૧ લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ૨૯૨ ભારતીય હતા, જ્યારે ૨૦૨૪માં આ સંખ્યા વધીને ૧,૫૨૯ ભારતીયો થઈ ગઈ છે.