યુવાનીમાં વાડીએ પિયત કરવા જતો ત્યારે એક વસ્તુ જોતો કે જેમજેમ જમીનમાં પાણી આગળ વધતું જાય તેમતેમ જમીનની તિરાડોમાં પાણી ભરાતા જમીનની અંદર રહેલી જીવાતો બહાર નીકળતી અને ભાગાભાગી કરી મુકતી. જમીન સુકાતા ઉભા થયેલ પોલાણોમાં પાણી ઉતરતા ફરજીયાત બહાર આવીને સલામત જગ્યા શોધવી પડતી. આખું ખેતર પાણી પી રહે ત્યારે આજુબાજુના ખેતર કે વાડોમાં આ જીવાતો શરણ લેતી કે નવું ઘર કે દર બનાવતી, પણ આ જમીન તેમણે છોડી દેવી પડતી. દેશમાં અત્યારે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર બાદ તિરાડોમાં પાણી પ્રવેશી રહ્યું છે. જીવાતો ટીવી ડીબેટમાં, સોશ્યલ મીડિયા, રાજકીય મંચો અને પાનના ગલ્લા સુધી બહાર નીકળીને દોડાદોડી કરી રહી છે. વર્ષોથી જે ઘરમાં અડીંગો જમાવીને પડ્યા હતા એ ઘર છોડવાનું થયું છે. પીડા અસહ્ય છે. આ તિરાડોમાં ક્યારેય પાણી નહિ ભરાય એવો ભ્રમ પાળીને ઘરને ખુબ સજાવ્યું હતું. અચાનક એવી મેઘમહેર થઇ કે આખી જમીન પાણીથી તરબતર થઇ ગઈ. પાકિસ્તાન તરફી કૂણી લાગણી ધરાવતી આખી એક નપુંસક જમાત ઉજાગર થઇ ગઈ. આ ઉદાહરણ દેશની સાંપ્રત પરિસ્થિતિમાં અદ્દલ ફીટ બેસે છે. જે જીવાતો દેશને બાપીકી જાગીર સમજતી હતી, પોતાને રાજા અને પ્રજાને રૈયત સમજતા હતા, દેશ પોતાની માન્યતા, મત કે મતિ પ્રમાણે ચાલશે એવા જન્મજાત સર્ટિફિકેટ છાતી પર લટકાવીને ફરતા હતી. એ બધું ધૂળધાણી થઇ ગયું. થોડો સમય માટે વિરુદ્ધ પરિસ્થિતિમાં વાંધો નહોતો, પણ સમય ખુબ લંબાઈ ગયો. સિંહાસન ગુમાવ્યે દશકા ઉપર વખત વીતી ગયો. ધીરજ ખૂટતી ચાલી. ધીરજ ખૂટવાના કિસ્સામાં બે ત્રણમાંથી એક ચીજ બને છે, એક તો જે હાર સ્વીકારી લે છે એ માણસ મેદાન છોડી દે છે, બીજું, જે સંઘર્ષ સ્વીકારે છે એ ખંતપૂર્વક સ્થિતિ સુધારવામાં લાગી જાય છે, ત્રીજા કિસ્સામાં જે હાર અને સંઘર્ષ બંનેમાંથી એક પણ સ્થિતિ નથી સ્વીકારતો એ માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ન કરવાની પ્રવૃત્તિઓમાં ઉતરી પડે છે અને પોતાની આ પરિસ્થિતિ માટે આખી દુનિયાને દુશ્મન ગણવા લાગે છે. કોંગ્રેસે આજે હાર કે સંઘર્ષ બંનેમાંથી એક પણ સ્થિતિ સ્વીકારી હોય એવું લાગી રહ્યું નથી.
દેશના કેટલા યુદ્ધ વિમાનો તૂટ્યા એ પ્રશ્ન ખરેખર પાકિસ્તાન તરફથી આવવો જોઈએ, પણ ભારતની કમનસીબી કે એ સવાલ દેશમાંથી ઉઠ્યો છે, અને એ પણ દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસના આગેવાન તરફથી ઉઠાવવામાં આવ્યો છે. અને એની પાછળ એક તાબેદાર બુદ્ધિખોર વર્ગ તાબોટા સાથે એ જ કોરસ ગાતો ગાતો બહાર નીકળી ચુક્યો છે કે આ સવાલ લાઝમી છે. આ એક એવો સામંતશાહી માનસિકતાનો ઘેરો છે જે ભારતની ચીન સાથે સરખામણી પણ સાંખી શકતો નથી. એ ધરાર ભારતને પાકિસ્તાનની સમકક્ષ ઉભો રાખવા મથતો રહે છે. શું દેશમાં કોઈ સારી વાત બની જ નથી રહી ? એક ચીની ફિલસૂફનું વિધાન છે કે સાધુ બોલતો નથી, બુદ્ધિમાન બોલે છે અને મુર્ખ સાબિતીઓ માંગતો ફરે છે. દેશ વતી આખા વિશ્વમાં આ આક્રમણ બાદ દેશનો પક્ષ રાખવા વિશ્વના વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ પક્ષોના ઘણા સાંસદોને વડાપ્રધાનના આગ્રહથી મોકલવામાં આવ્યા. તમે એ સાંસદો માંહેના તમારા પક્ષના સાંસદોને પણ વડાપ્રધાનના ચમચા કહી દીધા. પક્ષનો જે સદસ્ય આ નિવેદન આપવા આવ્યો છે, એ કોનો ચમચો છે ? આપણા ચારણી સાહિત્યના કલાકાર શ્રી ઇસરદાન ગઢવી કહેતા એમ કે ચમચો વાસણ ખાલી થયા પછી વધુ ખખડે કે અવાજ કરે છે. દેશમાં જે જે વાસણો ખાલી થઇ ગયા છે એ વાસણમાં રહેલા ચમચાઓ જોરથી ખખડી રહ્યા છે. આઇન્સ્ટાઇને કહ્યું હતું કે વિશ્વમાં બે જ વસ્તુ અનંત છે. પહેલું બ્રહ્માંડ અને બીજું માણસજાતની મૂર્ખતા. અગાધ બ્રહ્માંડનો તાગ કોઈ મેળવી શક્યું નથી તેમ માણસ કેટલો મુર્ખ હોઈ શકે તેનો અંદાજ લગાવવો પણ અશક્ય છે. દેશને એ જાણવાનો અધિકાર પણ છે કે એવી તે કઈ પાર્ટીલાઈન છે જે દેશના મિજાજ સાથે મેળ નથી ખાતી ? એ પાર્ટી લાઈનથી અલગ જે અવાજ ઉઠે છે એ પાર્ટીમાંથી બહાર ફેંકાઈ જાય છે. ૧૯૩૯ના સુભાષચંદ્ર બોઝથી લઈને ૨૦૨૫ના શશી થરુર સુધી ઈતિહાસ દોહરાવાઈ રહ્યો છે.
જેમ જીવનની મુશ્કેલીમાં માણસને પત્ની, મિત્ર અને સગસબંધીઓની પીછાણ થાય છે તેમ દેશના મુશ્કેલ સમયમાં દેશના નેતાઓના ચરિત્રની પીછાણ થાય છે. પહેલા કિસ્સામાં જે તમને સમર્પિત છે એ ખભો મિલાવીને તમને સાથ આપે છે જયારે બીજા કિસ્સામાં દેશને સમર્પિત હોય એ નેતા ખભો મિલાવીને દેશની સાથે ઉભો રહે છે. જનતા જાણે છે, કોઈ નેતા સરહદ પર મશીનગન લઈને દુશ્મનથી મુકાબિલ નથી થવાનો. પણ તેનું વલણ અગત્યનું છે. દુશ્મન દેશ જો તેના નિવેદનોથી રાજી રાજી થઇ જતો હોય, અને પ્રાર્થના કરતો હોય કે કાશ…. આ વ્યક્તિ ત્યાંનો વડોપ્રધાન બની જાય, તો એનું સમર્પણ સાત વખત ચકાસવું પડે. ચૂંટણી હારવી એ બીજા દેશ સામે હારવા જેવું અદ્દલ ગણિત નથી. ચૂંટણી દર પાંચ વર્ષે થતી એક વહીવટી પ્રક્રિયા છે, દુશ્મન દેશ સાથે યુદ્ધ કોઈ વહીવટી પ્રક્રિયા નથી. ચૂંટણી તેની પાછળ હારેલ કે જીતેલ પક્ષ છોડી જાય છે, જયારે યુદ્ધ એક ઈતિહાસ છોડી જાય છે જે પલટાવી શકાતો નથી.
ક્વિક નોટ – “આઈ નો ટુડે લોટ ઓફ કન્ટ્રીઝ આર નર્વસ અબાઉટ ધ યુ.એસ. (અમેરિકા), ઓકે ? લેટ્સ બી ઓનેસ્ટ અબાઉટ ઈટ, વી (ઇન્ડિયા) આર નોટ વન ઓફ ધેમ.” – એસ.જયશંકર – વિદેશમંત્રી, ભારત સરકાર.