શું તમારી રીડીંગ લાઈફમાં કોઇ એવો લેખક આવ્યો છે જેનું એક પણ પુસ્તક વાંચ્યા વગર એ તમારો ફેવરીટ લેખક બની ગયો હોય? મને નથી લાગતું કે આ સવાલના જવાબમાં કોઇ ઊંડા ઉતરે. કેમ કે લેખક વિશે અભિપ્રાય આપતા પહેલા લોકો તેના પુસ્તકમાં ઊંડા ઉતરીને એ જોવાનો પ્રયત્ન કરતા હોય છે કે એણે અથવા એની કલમે ઉકાળ્યું છે શું? પણ વિશ્વ આખામાં હું એક જ એવો વાચક છું કે જેણે જ્યોર્જ બર્નાર્ડ શોનું એક પણ પુસ્તક વાંચ્યા વગર એને ફેવરીટ લેખક તરીકે સરાજાહેર જાહેર કર્યો હતો. આજે તો હું જ્યોર્જ બર્નાર્ડ શોના ડઝનબંધ પુસ્તકોનો માલિક છું અને તેના મોટા ભાગના પુસ્તકો વાંચેલી હાલતમાં પણ છું. પણ એ દિવસોમાં શોનું એક પણ પુસ્તક મારી અંગત લાઇબ્રેરીમાં તો નહોતું, બલ્કે બીજા કોઈની લાઇબ્રેરીમાંથી લઇને પણ વાંચ્યું નહોતું. શામળદાસ કોલેજમાં ભણતો ત્યારે દરેક મિત્રોએ મારી પાસે બર્નાર્ડ શોના વખાણ સહન કરવાં પડતાં. ના, એના કારણે મિત્રો ઘટ્યા નહોતા, વધ્યા હતા. કારણ કે આ શોની વાત હતી.
 કોલેજમાં એસવાયબીએમાં બર્નાર્ડ શોનું નાટક Man and Superman સિલેબસમાં હતું. પુસ્તક અભ્યાસના ભાગ રૂપે વાંચવાનું હતું. પરિક્ષકોના લાભાર્થે પણ હું એ વાંચવાનો હતો. અમસ્થુંય નામ ગમતું હતું – Man and Superman. પણ મારી એક ટેવ હતી કે કોઇ પણ લેખક વિશે થોડું-ઘણું જાણી લેવું. લેખક કોણ છે એ જાણ્યા પછી પુસ્તકના વિવિધ રેફરન્સ સમજવાની મજા પડે. બસ એના કારણે જ મેં શોનું પુસ્તક શરુ કરતાં પહેલા શો વિશેના પુસ્તકો વાંચવાનું શરુ કર્યું હતું. અને ખલ્લાસ… તે પછી તો ભૂતડાની ખાણના કળણમાં ભૂલથી ખાબકેલો માણસ જેમ બહાર નીકળવા મથે એમ વધારે ડૂબતો જાય એ રીતે હું શોમાં ડૂબતો ગયો. તે એવો ડૂબતો ગયો કે એફવાય તો ઠીક, ટીવાયબીએથી પુરું કરવાથી લઇને ભણતર જ નકામી ચીજ છે એવું બ્રહ્મજ્ઞાન થયા સુધી મેં બર્નાર્ડ શોનું એક પણ પુસ્તક  વાંચ્યું નહોતું. બર્નાર્ડ શો વિશેના પુસ્તકો વાંચવામાંથી ઊંચો આવું તો એનાં પુસ્તકો વાંચું ને ! જે વાંચવાનું હતું એ વાંચ્યું જ નહોતું. અમસ્થું ય જે વસ્તુ મને વાંચવાનું કહેવામાં આવે એ વાંચવામાં એક બારૈયા તરીકે મારો ઇગો હર્ટ થાય છે… યુનિવર્સિટી કોઇ પુસ્તકને સિલેબસમાં રાખે એટલે શું એ પાસ થવાની ગરજને લઇને મારે વરસમાં વાંચી નાખવાનું?
 શો 1933માં ભારતના પ્રવાસે આવેલો. ભારત વિશેના એનાં નિરીક્ષણો ગજ્જબ હતાં. મુંબઈમાં એણે એ વખતના ધોબીઓને કપડાં ધોતાં જોયેલા. આ જોઈને તેણે કહેલું : ભારતમાં લોકો કાપડ વડે પથ્થર તોડવાના પ્રયત્નો કરે છે !
ભારતમાં એણે જૈન મંદિરો ઉપરાંત જૈન માણસોની પણ મુલાકાત લીધેલી. જૈન ધર્મ વિશે જાણ્યા પછી શોએ કહેલું : મને બહુ મોડી મોડી ખબર પડી કે મારો ધર્મ તો જૈન છે…!!! (નોંધ: બર્નાર્ડ શો ક્રિશ્ચિયન અને ઇંગ્લિશ હોવા છતાં શાકાહારી હતો.)
શોનો સ્વભાવ એવો હતો કે બને ત્યાં સુધી કોઇને રાજી ન કરવા. બને ત્યાં સુધી કોઇની મોજ ભાંગી જાય એવું કંઇક ને કંઇક કરતા રહેવું અથવા બોલતા રહેવું. કોઇ આપણાથી ખુશ ન થઇ જવાં જોઇએ.  શોનો આ જીવનમંત્ર હતો.
1925માં તેના નાટક Saint Joan માટે તેને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું ત્યારે તેણે દુનિયાનો આ સર્વોચ્ચ એવોર્ડ લેવાનો ઇન્કાર કરી દીધો અને કહી દીધું : તમે લાઇફ જેકેટ એવા સમયે ફેકી રહ્યા છો કે જ્યારે તૂટેલા જહાજનો મુસાફર પોતાની મેળે તરીને ગમે તે રીતે કિનારે પહોંચી ગયો છે.
દુનિયાના લોકો નોબેલ પ્રાઇઝ મેળવવા માટે હવાતિયાં મારતા હોય છે ત્યારે સામેથી આવેલી લક્ષ્મીને માત્ર જ્યોર્જ બર્નાર્ડ શો જ ઠૂકરાવી શકે. લલ્લુ-પંજુ લોકોની એ તાકાત નથી. શો પાસે જે કોન્ફિડન્સ હતો તે એ સમયના બીજા લેખકો પાસે ભાગ્યે જ જોવા મળે છે. હાસ્ય અને કટાક્ષ બર્નાર્ડ શોના તાકાત છે.
શો પોતાના પન (દ્વિઅર્થી વિધાનો) માટે ખૂબ લોકપ્રિય હતો.
એક વાર શો પોતાનું જ લખેલું એક નાટક જોવા ગયેલો. શોને આવેલો જોઇને ડોરકીપરે દરવાજો બરાબરનો બંધ કરી દીધો. શોએ આંખોના ઇશારેથી જ પૂછ્યું કે આમ કેમ?
ડોરકીપરે કહ્યું – “એક પન કહો તો જ અંદર જવા દઉં..”
શોએ કહ્યું – ” ઑ…પન…”
અને ડોરકીપરે ખડખડાટ હસીને દરવાજો ઓપન કરી દીધો…
કોઇના મૃત્યુ ઉપર પણ શો બોલે તો પણ તમે મનમાં હસી શકો પણ જાહેરમાં શો ઉપર એવો આક્ષેપ ન મૂકી શકો કે આ માણસને મૃત્યુ પ્રસંગે શું બોલવું એનું પણ ભાન નથી…
 ગાંધીજીની હત્યા થઇ ત્યારે બર્નાર્ડ શોએ તેના શોક સંદેશામાં લખેલું કે It is too bad to be too good ! (બહુ સારા હોવું એ બહુ ખરાબ કહેવાય !)
 શોએ તેની આખી જીંદગીમાં પચાસ જેટલા પુસ્તકો લખ્યાં છે પણ શો વિશે અત્યાર સુધીમાં 500 જેટલાં પુસ્તકો લખાયાં છે.
બાય ધ વે, શોના “પિગ્મેલિયન” નાટકના  અનેક શો થયેલા અને આજે પણ થાય છે. “પિગ્મેલિયન” પરથી અંગ્રેજીમાં ડાયરેક્ટર જ્યોર્જ કકરે “માય ફેર લેડી” નામની એક મારફાડ ફિલ્મ 1964માં બનાવી હતી.
 “માય ફેર લેડી”માં પ્રોફેસર હેન્રી હિગીન્સનો રોલ રેક્સ હેરિસને ભજવેલો અને એની ફેર લેડી એટલે કે એલિઝા ડૂલિટલનો રોલ ઑડ્રી હેપબર્ને મારફાડ રીતે ભજવ્યો હતો.
 આજે તો હું ઇંગ્લીશ અને હિંદી ફિલ્મોની સાથે ગુજરાતી ફિલ્મો પણ દયાના ધોરણે નિયમિત અને ચોડેધાડ જોતો થયો છું. કારણ કે હું હવે શરમ વગરનો થઇ ગયો છું. પણ હાઇસ્કૂલ અને કોલેજ કાળમાં હું એટલો સાવધાન રહેતો કે ગુજરાતી ફિલ્મ જોયેલી હાલતમાં મને પકડવો અઘરો હતો. મારા ઉપર સતત એ વિચાર છવાયેલો રહેતો કે લોકો મને ગુજરાતી ફિલ્મ જોયેલી હાલતમાં પકડી પાડશે તો સમાજમાં મારી ઇજ્જત શું રહેશે????
 કોઇ મને પીધેલી હાલતમાં પકડી પાડે તો મને એમાં મોભો થોડોક વધ્યા જેવું લાગે એમ હું વિચારતો. પણ ગુજરાતી ફિલ્મ જોયેલી હાલતમાં પકડાવું એને હું અત્યંત શરમનો વિષય ગણતો. તમે ગુજરાતી ફિલ્મો પણ જોતા હો તો…. લોગ ક્યા કહેંગે, ઠાકુર !???
પણ એક દિવસ મને એક એવી ખબર પડી કે મારે એક ગુજરાતી ફિલ્મ ઘરે ખાસ સીડી મંગાવીને જોવી પડી હતી. ફિલ્મનું નામ હતું – “સંતુ રંગીલી”.
1976માં એટલે મારા જન્મવર્ષમાં આવેલી “સંતુ રંગીલી” ફિલ્મ જ્યોર્જ બર્નાર્ડ શોના “પિગ્મેલિયન” નાટક પરથી બનેલી “My Fair Lady”નું ગુજરાતી સંસ્કરણ જ હતું ! મનહર રસકપૂરે બનાવેલી આ ફિલ્મમાં હેન્રી હિગીન્સની જગ્યાએ ઉપેન્દ્ર ત્રિવેદી અને ઑડ્રી હેપબર્નની જગ્યાએ અરુણા ઇરાની આવી ગયાં છે. ક્યાં અરુણા ને ક્યાં ઑડ્રી ! પણ ફિલ્મ બન્ને સાવેસાવ ટનાટન બનેલી છે.  જેનું પગેરું જ્યોર્જ બર્નાર્ડ શો સુધી પહોંચતું હોય એમાં મોળું કાંઇ હોય જ નહીં !
 શોની અનેક સિદ્ધિઓ હતી. એક દિવસ એને કોઇકે પૂછ્યું – “ધારો કે તમે મરી જાવ તો તમારી કઇ સિદ્ધિ બદલ સ્વર્ગમાં એન્ટ્રી માટે ઇશ્વર તમને માર્ક આપે?”
 શોએ કહ્યું- “હું એમ નહીં કહું કે મેં સિદ્ધિઓ મેળવી છે. પણ મેં પ્રવૃત્તિઓ કરી છે. જેવો ઇશ્વર મારી પ્રવૃત્તિઓના માર્ક આપવાનું ચાલુ કરશે એ ભેગો જ અમારા વચ્ચે ગંભીર જઘડો શરુ થશે…”