દેશ કોઈ જમીનનો ટુકડો માત્ર નથી હોતો. કોઈ ચોક્કસ આંકડાઓનું ક્ષેત્રફળ નથી. થોડા પહાડો, નદીઓ, જંગલો કે સપાટ વિસ્તારો નથી. માત્ર પાઠ્યક્રમમાં ભણવામાં આવતી ભૂગોળ નથી. દેશની ધરતી એક ચેતના છે. દેશની પ્રજા વચ્ચે પનપી રહેલી એક પ્રાણવાન ઉર્જા હોય છે. ઉર્દુ શાયરે ગાયું છે. ..વતનકી મીટ્ટી મુજે એડિયા રગડને દે, મુજે યકી હૈ ચશ્મ વહીં સે નિકલેગા.
એક સૈનિક હોય છે… જે દેશની તસુ તસુ જમીન ખાતર પણ પોતાની છાતી લાલ કરીને એ જ જમીનમાં દફન થઇ જાય છે. એક કવિ હોય છે, જે ધરતીને મા કહીને સંબોધે છે. એક ત્રેવીસ વર્ષનો યુવાન હોય છે જે માતૃભૂમિ ખાતર હસતા હસતા ફાંસીએ ચઢી જાય છે. લાહોરની જેલમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ ફાંસી પર ચઢતા પહેલા ગાયું હતું… “મર કર ભી દિલ સે ન નીકલેગી કભી વતન કી ઉલફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આયેગી.” માતૃભૂમિ ખાતર ત્રણ નવલોહિયાના બલિદાને આખા દેશને ઝકઝોરી નાખ્યો હતો. પણ આપણે ત્યારે અહિંસાનું અફીણ ચાટી રહ્યા હતા. આખરે શું હોય છે એ જમીનમાં
જેના ખાતર ભગતસિંહ જેવા શહીદો પોતાના પ્રાણોનું બલિદાન આપી દે છે ? જે પ્રજા પોતાની જમીન માટે સંઘર્ષમાં નથી ઉતરી, જેણે પોતાની ધરતી પર બીજા આક્રાન્તાઓનું આધિપત્ય સહન કર્યું નથી. એ પ્રજાને ઉપર લખેલી વાત સમજાવવી પડે. જે પ્રજાના છોકરાઓ જવાન થતા સાથે જ પોતાની જમીન બચાવવાના સંઘર્ષમાં ઉતરી જાય છે, એમને શૌર્યરસની કવિતાઓ વાંચવી નથી પડતી. એમના લોહીનું ઉત્કલન બિંદુ અન્ય પ્રજા કરતા બે સેલ્સિયસ વધુ જ રહે છે. ભારતીય સેનાની સૌથી જૂની રાયફલ રેજીમેન્ટ રાજપુતાના રાયફલ્સ છે. એમનો સિધ્ધાંત નારો છે વીર ભોગ્ય વસુંધરા. આ વસુંધરાને વીર હોય એ જ ભોગવી શકશે.
ઇઝરાયેલ પાસે એવું શું છે ? ઇઝરાયેલ માર્યાદિત વસ્તી અને ટૂંકો વિસ્તાર ધરાવતો દેશ છે. ભારતના એક મોટા શહેર જેટલી વસ્તી ધરાવે છે. આજુબાજુ એકપણ મિત્ર રાષ્ટ્ર નથી. દેશની એકપણ દિશા એવી નથી કે જ્યાંથી આક્રમણ થવાની શક્યતા ન હોય. પાછળ ભૂમધ્ય સમુદ્ર છે. ઇઝરાયેલ સ્વતંત્ર થયું ત્યારે દેશના સ્વાતંત્ર્ય મુસદ્દા પર દેશના સ્વાતંત્રવીરોએ સહીઓ કરી હતી. એ પરંપરા
આજદિન સુધી ચાલી આવતી રહી કે ઈઝરાયેલને હમેશા લોખંડી મનોબળ ધરાવતા શાસકો મળ્યા છે. નેતાઓ બદલાય છે પણ ઈઝરાયેલની દુશ્મનની ગરદન તોડી નાખવાની નીતિ કાયમી છે. ચીને આક્રમણ કરીને ભારતની લગભગ ૩૮૦૦૦ ચોરસ કિમી જમીન હડપી લીધી અને આપણા નેતાઓ પોતાની સામ્યવાદની ધરી પર ગબડતા ગબડતા લોકસભામાં બોલ્યા કે એ જમીન બંજર છે, એમાં ઘાસનું એક તણખલું પણ ઉગતું નથી. આ ખુલાસો નેતૃત્વની અસમર્થતા જાહેર કરે છે. કરોડરજ્જુ અને સ્વમાન વિનાની નેતાગીરી દેશ માટે રોકડું જોખમ હોય છે. એવું કહેવાય છે કે એ યુદ્ધ માત્ર અને માત્ર ભારતની ઢીલી પોચી નેતાગીરીને લીધે થયું હતું.
દેશના અન્ય નેતાઓ દ્વારા વારંવાર ચેતવવા છતાં વડાપ્રધાન નહેરુ અને ડાબેરી વિચારસરણી ધરાવતા સરક્ષણ પ્રધાન કૃષ્ણમેનન સતત એ યુદ્ધખોર મુલ્ક સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની કલ્પનામાં રચી રહ્યા હતા. આશરે એક દાયકા ઉપરના સમયે તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર સાહેબે ચીનના નેતા માઓની વિસ્તારવાદી નીતિથી ચેતવવા માટે અને ચીનને સંભવિત દુશ્મન ગણાવતો પત્ર નહેરુને લખ્યો હતો. એ યુધ્ધમાં દેશે ૧૩૦૦ જવાનો ખોયા હતા. આ યુધ્ધમાં ૧૨૦ના સંખ્યાબળ ધરાવતી કુમાઉ રેજીમેન્ટની મેજર શૈતાનસિંહની આગેવાની હેઠળની ટુકડીએ ચીનના આશરે એક હજાર સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો.
દેશે ક્યા મુદ્દે આક્રમક રહેવું એ ટોચની નેતાગીરીને ખબર હોવી જોઈએ. દરેક વખતે શાંતિવાર્તાથી કામ નથી બનતું. પડોશીઓ સાથે
શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ત્યાં સુધી જ સંભવ છે જ્યાં સુધી એ ચાહે. એ તમને મારવા માંગતો હોય તો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી. તમારી આસપાસ હિંસકોની જમાત હાથમાં ખપ્પર લઈને નાચતી હોય ત્યારે પલાઠી મારીને આંખો મીંચીને શાંતિ જાપ કરવો નિહાયત બેવકૂફી છે. ઈઝરાયેલી વડાપ્રધાન ગોલ્ડા માયરે એક વખત કહેલું કે ‘આરબો સાથેના અમારા આ સંઘર્ષમાં અમારી પાસે એક શસ્ત્ર છે જે આરબો પાસે નથી… ઇઝરાયેલ પાસે ભાગી જવાની કોઈ જગ્યા નથી.’ જયારે તમારી પાસે ભાગવાની જગ્યા ન હોય અને વધુ દુશ્મનો હુમલો કરે ત્યારે તમારે દુશ્મનની બોચી જ પકડીને એને પૂરો જ કરી દેવો પડે. તો જ તમે જીવતા બચી શકો.
૨૦૦૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે દુનિયાને સંબોધિત કરી હતી. “….. દુનિયાના દરેક દેશે હવે એ નક્કી કરી લેવાનું છે, તમે અમારી સાથે છો અથવા તમે આતંકવાદીઓ સાથે છો.” જેની મરવાની તૈયારી હોય, વિજેતા એ જ થાય છે, આ યુદ્ધનો નિયમ છે. ઇઝરાયેલ અસ્તિત્વને સ્વમાન અને સ્વમાનને સ્વાભિમાનની ઉંચાઈએ લઇ જઈ ચુક્યું છે. એને સ્પર્શતા નાના હુમલાઓના બદલામાં એ દુશ્મનને મરણતોલ ફટકાઓ મારે છે. તાજેતરમાં પેજર જેવા ડિવાઈસમાં ધડાકાઓ કરાવીને યુદ્ધને એક એવા સ્તરે લઇ જાય છે, જ્યાં દુશ્મન ફરી હુમલો કરવાનું સત્તર વખત વિચારે. દુનિયાના અન્ય દેશો જે નુક્તેચીની કરવી હોય તે
કરે, આંતરરાષ્ટ્રીય સંસ્થાનો જે પ્રતિબંધ લડવા હોય તે લાદે, દેશ પોતાની નીતિથી વિચલિત નથી થતો.
ક્વિક નોટ :- ઈઝરાયેલી વડાપ્રધાન ગોલ્ડા માયર કહેતા કે અમારે જીવતા રહેવું છે, અને અમારા પડો શીઓ અમને મરેલા જોવા માંગે છે. આ બાબતે સમાધાનની કોઈ શક્યતાઓ નથી.
न ही लक्ष्मी कुलक्रमज्जता, न ही भूषणों उल्लेखितोपि खड्गेन आक्रम्य भुंजीत, वीर भोग्या वसुंधरा।।