ઇઝરાયલે ગાઝામાં ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધો ૩ મહિના પહેલા લાદવામાં આવ્યા હતા અને તેની અસરો હવે દેખાઈ રહી છે. પરિસ્થિતિ એવી છે કે પ્રતિબંધોને કારણે, હોસ્પિટલમાં દર્દીઓને પૂરતો ખોરાક પણ મળી શકતો નથી. આવી સ્થિતિમાં, દર્દીઓના પરિવારોએ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવી પડે છે.
“મોટાભાગના ઘાયલ દર્દીઓનું વજન ઘટી ગયું છે, ખાસ કરીને છેલ્લા બે મહિનામાં,” દક્ષિણ શહેર ખાન યુનિસમાં નાસેર હોસ્પિટલના જનરલ સર્જન ડા. ખાલેદ અલસૈરે એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું. તેમણે કહ્યું કે સઘન સંભાળ એકમના દર્દીઓને પણ પૂરતું પોષણ મળતું નથી. “દર્દીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની વાત આવે ત્યારે આપણા હાથ બંધાયેલા હોય છે,” તેમણે કહ્યું. વિકલ્પો મર્યાદિત છે.”
સહાય જૂથોનું કહેવું છે કે ગાઝામાં કુપોષણ વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટÙના જણાવ્યા અનુસાર, ગયા મહિને હજારો બાળકો તીવ્ર કુપોષણથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું અને પુખ્ત વયના લોકોને પણ યોગ્ય પોષક તત્વો મળી રહ્યા નથી. આ વર્ષે ૧૬,૦૦૦ સગર્ભા અને નવી માતાઓ કુપોષિત હોવાનો અંદાજ છે.
૨ માર્ચે ઇઝરાયલે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પ્રતિબંધ લાદ્યા પછી ખાદ્ય સ્ત્રોતો ખતમ થઈ રહ્યા છે, સહાય જૂથોએ ખોરાકનું વિતરણ બંધ કરી દીધું છે અને બેકરીઓ બંધ થઈ ગઈ છે. યુએનએ જણાવ્યું હતું કે પાસ્તા અથવા મસૂરનું વિતરણ મોટાભાગની વસ્તી માટે છેલ્લી જીવનરેખા છે, પરંતુ પુરવઠાની અછતને કારણે તે પણ ઝડપથી બંધ થઈ રહ્યા છે. બજારમાં ડબ્બાબંધ માલ અને થોડી માત્રામાં શાકભાજી સિવાય લગભગ કંઈ જ ઉપલબ્ધ નથી અને ભાવ વધી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ ગાઝાની ૮૦ ટકા ખેતીલાયક જમીનનો નાશ કર્યો હોવાથી સ્થાનિક શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
ઇઝરાયલે કહ્યું કે તેણે પુરવઠો અટકાવી દીધો હતો અને માર્ચમાં હમાસ પર બાકીના બંધકોને મુક્ત કરવા અને શસ્ત્રો મૂકવા દબાણ કરવા માટે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી હતી. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યા પછી યુદ્ધ શરૂ થયું. આ હુમલામાં, આતંકવાદીઓએ લગભગ ૧,૨૦૦ લોકોને મારી નાખ્યા, જેમાં મોટાભાગે નાગરિકો હતા અને ૨૫૧ લોકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી મોટાભાગનાને યુદ્ધવિરામ કરાર અથવા અન્ય કરારો હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હમાસના હુમલા બાદ ઇઝરાયલના આક્રમણમાં ૫૨,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે.